ખેરાલુમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી

August 15, 2026

ગરવી તાકાત 15-8-2026 શનિવાર

 

 

મહેસાણા જિલ્લામાં ધી કે.એન.એસ.બી.એલ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જીપમાં સવાર થઈને મંત્રીશ્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આજે તિરંગાને શાનથી લહેરાતો જોઈને આપણી છાતી ગજ ગજ ફૂલે છે, પરંતુ આ આઝાદી આપણને ભેટમાં નથી મળી; એની પાછળ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા મહાન નેતાઓ તથા અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણ છુપાયેલા છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત ૨૦૪૭’નો સંકલ્પ આપ્યો છે. આ સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. આપણી ડબલ એન્જિન સરકાર ‘વિકાસ પણ, વિરાસત પણ’ના મંત્ર સાથે કામ કરી રહી છે. આપણા દીકરાઓ ધોલેરા સેમિકન્ડક્ટર અને બુલેટ ટ્રેન જેવા મેગા પ્રોજેક્ટ્સમાં રોજગારી મેળવશે. બીજી તરફ, સાંસ્કૃતિક વારસાનું જતન કરતા પવિત્ર શ્રાવણ માસમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ શર્મિષ્ઠા તળાવ ખાતેથી ‘વડનગર શ્રાવણોત્સવ’ અને ૧૦૮ કલાકારોના નાદ સાથે ભવ્ય ‘ડમરુ યાત્રા’નો શુભારંભ કરાયો, જેનાથી સમગ્ર વડનગર શિવમય બની ગયું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણાને ‘મહાનગરપાલિકા’નો દરજ્જો આપીને શહેરી વિકાસને નવી ઊંચાઈ આપી છે, જેનાથી પીવાનું શુદ્ધ પાણી, અંડરગ્રાઉન્ડ ગટર અને સ્માર્ટ સિટી લેવલની સુવિધાઓ મળશે. જિલ્લામાં પંચાયત વિભાગ દ્વારા ૧૫૮૫ કરોડના ખર્ચે ૨૫૨૫ કિમીના રસ્તા બનાવવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ નારીશક્તિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘મિશન મંગલમ’ યોજના હેઠળ મહેસાણાના મહિલા સખી મંડળોને ૬૩ કરોડથી વધુની બેંક લોન આપીને પગભર કરાયા છે. શિક્ષણ ક્ષેત્રે જિલ્લાની ૯૯૦ સરકારી શાળાઓમાં ૧.૮૦ લાખ બાળકો ભણી રહ્યા છે, જ્યારે ‘નમો લક્ષ્મી યોજના’ જેવા પગલાંથી નારી શિક્ષણમાં ક્રાંતિ આવી છે; પરિણામે શાળાઓમાં દીકરીઓની સંખ્યામાં વધારો થયો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડીલો અને પરિવારજનોની આરોગ્ય સુરક્ષા માટે ‘આયુષ્માન ભારત યોજના’ અભય કવચ બની છે. મહેસાણા જિલ્લામાં રેકોર્ડબ્રેક ૧૨ લાખ ૧૧ હજારથી વધુ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે અને ગયા વર્ષે ૪૦ હજારથી વધુ ક્લેઇમ મંજૂર કરીને ૭૯ કરોડથી વધુની મફત સારવાર આપવામાં આવી છે. ખેતી ક્ષેત્રે મહેસાણા જિલ્લો લીંબુના વાવેતરમાં રાજ્યમાં પ્રથમ ક્રમે અને ટામેટાના ૧.૪૮ લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે મોખરે છે. ‘પીએમ કિસાન સમ્માન નિધિ’ હેઠળ ૨.૩૭ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ૪૭૫ કરોડ રૂપિયા જમા થયા છે. આજે જિલ્લાના ૨૦ હજારથી વધુ ખેડૂતો ૮,૪૦૦ હેક્ટરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ‘દેશી ગાય નિભાવ સહાય’ હેઠળ વાર્ષિક રૂ. ૧૦,૮૦૦ ની સહાય મેળવી રહ્યા છે. ધરતી માતા સ્વાસ્થ્યપ્રદ રહે તે માટે રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી કરવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, GSRTC ની કનેક્ટિવિટી, RTO ની ઓનલાઈન ફેસલેસ સેવાઓ અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરાઈ રહી છે. જ્યારે ‘એક પેડ મા કે નામ’ હેઠળ ગુજરાતમાં ૧૭ કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે તથા ‘ગ્રીનિંગ ઓફ ધરોઈ પ્રોજેક્ટ’ હેઠળ પર્વતીય વિસ્તાર હરિયાળો બનાવાઈ રહ્યો છે. વિશ્વના સૌપ્રથમ મોડલ ‘સોલાર વિલેજ’ મોઢેરાની જેમ જ મહેસાણાના ૧૫ હજારથી વધુ ઘરોમાં સોલાર સિસ્ટમ લાગતા વીજ બિલ ઝીરો થઈ ગયા છે. એશિયામાં સૌપ્રથમ ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરનાર આપણા ગુજરાતમાં EV સહાય, સોલાર રૂફટોપ અને બાયોગેસ પ્લાન્ટથી ગ્રીન એનર્જી વધારાઈ રહી છે.

અંતમાં મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘Mission LiFE’ મહામંત્રને અપનાવી સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્તિ, ઉર્જા અને જળ બચત, અને દર જન્મદિવસે વૃક્ષારોપણ કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ માટે જિલ્લા પ્રભારી મંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 25 લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ રમતવીરોને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર/શિલ્ડ/ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૮૦મા સ્વાતંત્ર્ય પર્વના આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને સાંસ્કૃતિક જૂથો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ રોડ સેફટીની પ્રતિજ્ઞા લીધી હતી

કાર્યક્રમ બાદ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ કૉલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી હતી અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી સરદારભાઇ ચૌધરી, શ્રી સુખાજી ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, નગરપાલિકા પ્રમુખશ્રી મોહિનીબેન પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિરલબેન ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર, અગ્રણી શ્રી ભીખાભાઇ ચાચરીયા, જિલ્લા કલેકટરશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી મયંક પટેલ,પદાધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0