ગુજરાતને જો ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા કહીએ તો કશું ખોટું નહીં હોય. કારણ કે આ રાજ્યમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી સતત ચૂંટણી જીતતું આવ્યું છે અને 24 વર્ષથી વધુ સમયથી સતત ભાજપનું અહીં શાસન છે. ગુજરાત ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા છે અને જો તે પરિણામમાં ફેરવાય તો સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં દેશના રાજકારણમાં પણ તેની ઘણી અસર જોવા મળશે. 
હવે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ગુજરાત ચૂંટણીમાં પાર્ટીને 1થી 5 બેઠકો મળે તેવી શક્યતા છે. 2017ની સરખામણીમાં આમ આદમી પાર્ટી માટે આ મોટી વાત છે. કારણ કે 2017માં આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 29 બેઠકો પર ચૂંટમી લડી હતી અને તમામ બેઠકો પર ડિપોઝિટ જપ્ત થઈ હતી. 2017માં આમ આદમી પાર્ટીને ફક્ત 0.17 ટકા મત મળ્યા હતા. એક્ઝિટ પોલ મુજબ એક્ઝિટ પોલ મુજબ અન્યના ફાળે શૂન્યથી લઈને 4 બેઠકો આવી શકે છે. એટલે કે એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ત્રિકોણિયો જંગ રહ્યો નથી અને ભાજપ ક્લિન સ્વીપ કરી રહી છે.
ગુજરાતમાં કઈ જાતિએ કઈ પાર્ટી પર જતાવ્યો ભરોસો?
સીટો બાદ જો જાતિય સમીકરણોની વાત કરીએ એટલે કે કઈ જાતિએ કયા પક્ષ પર ભરોસો વ્યક્ત કર્યો છે. તો અહીં પણ સીધી રીતે ભાજપ બાજી મારતું જણાય છે. એક્ઝિટ પોલ મુજબ 49 ટકા સવર્ણ હિન્દુઓએ ભાજપને જ્યારે 41 ટકા સવર્ણ હિન્દુઓ કોંગ્રેસને મત આપ્યો હોવાનું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટી અને અન્ય પર 10 ટકા સવર્ણ હિન્દુઓએ ભરોસો વ્યક્ત કર્યો છે. એક્ઝિટ પોલ મુજબ 48 ટકા OBC એ ભાજપને જ્યારે 43 ટકા ઓબીસીએ કોંગ્રેસને મત આપ્યો હોવાનું અનુમાન છે.
પટેલ સમુદાય કઈ દિશામાં?
ગુજરાતના રાજકારણમાં પટેલ સમુદાયની ભૂમિકા ખુબ મહત્વની છે. અહીં પટેલો કડવા અને લેઉઆ સમુદાયમાં વહેંચાયેલા છે. એક્ઝિટ પોલ મુજબ 58 ટકા કડવા પટેલે ભાજપને મત આપ્યો છે જ્યારે 34 ટકા કડવા પટેલે કોંગ્રેસ પર ભરોસો જતાવ્યો છે. જ્યારે 53 ટકા લેઉઆ પટેલોએ ભાજપ પર જ્યારે 37 ટકા લેઉઆ પટેલોએ કોંગ્રેસ પર ભરોસો જતાવ્યો છે. એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને પટેલોના વધુ મત મળ્યા નથી. લેઉઆ પટેલો મોટા ભાગે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં રહે છે જ્યારે કડવા પટેલ સમુદાયના લોકો ઉત્તર ગુજરાતના મહેસાણા, અમદાવાદ, કડી-કલોલ, વિસનગર વિસ્તારોમાં રહેતા હોય છે.
એક્ઝિટ પોલના આંકડા મુજબ ગુજરાતના પછાત સમુદાયના લોકોએ પણ ભાજપ પર ભરોસો જતાવ્યો હોય તેવું જણાય છે. આંકડા મુજબ 48 ટકા દલિતોએ ભાજપને, 41 ટકા દલિતોએ કોંગ્રેસને મત આપ્યો હોવાનું અનુમાન છે. આમ આદમી પાર્ટી પર 7 ટકા દલિતોએ ભરોસો જતાવ્યો છે. જ્યારે આદિવાસીમાં પણ ભાજપને પસંદ કરતા હોવાનું જણાય છે. એક્ઝિટ પોલ મુજબ 49 ટકા આદિવાસીઓએ ભાજપને મત આપ્યો હોવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસ પર 42 ટકા આદિવાસીઓએ ભરોસો જતાવ્યો છે. જો મુસ્લિમોની વાત કરીએ તો એક્ઝિટ પોલ મુજબ સૌથી વધુ 67 ટકા મુસ્લિમોએ કોંગ્રેસને મત આપ્યો હોવાનું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટી પર 19 ટકા મુસ્લિમોએ ભરોસો જતાવ્યો છે. ભાજપ અહીં પાછળ છે અને એક્ઝિટ પોલના આંકડા મુજબ 11 ટકા મુસ્લિમોના મત ભાજપને ફાળે ગયા હોવાની સંભાવના છે.


