રાજયમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી ડોકટર તથા 8 હજાર સ્વયંસેવકો કાર્યરત
જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટસએપ નં.832000 2000 ઉપર કોલ કરવાથી લીંક મળશે
પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની માટે મદદ લઈ શકાશે
ગરવી તાકાત, મહેસાણા તા. 12 – ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે સરકારે હેલ્પલાઇન અને વોટ્સએપ નંબર જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા.20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન-2023 યોજવામાં આવશે. જેમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરી છે.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2017થી રાજ્યમાં કરૂણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક ઉત્તમ શરૂઆત કરીને સંવેદનશીલતાનો નવતર અભિગમ હાથ ધર્યો છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં અંદાજે 70 હજારથી વધુ પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવી શક્યા છીએ. ઉત્તરાયણના પાવન પર્વમાં અબોલ પશુ-પક્ષીઓને નુકસાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખીએ તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ. આ અભિયાન દરમિયાન દરરોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા ક્ધટ્રોલ રૂમ કાર્યરત કરાશે. એટલું જ નહી, 33 જિલ્લાઓમાં 333 એન.જી.ઓ આ સેવાયજ્ઞમાં જોડાઇ છે.
ચાલુ વર્ષે રાજયમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે ડોકટર તથા 8 હજારથી વધારે સ્વયંસેવકો કાર્યરત રહીને પક્ષી બચાવનું કામ કરી રહ્યા છે. આ માટે જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટસએપ નં.832000 2000 ઉપર કોલ કરવાથી લીંક મેળવી શકાશે તથા પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર 1962 ઉપર સંપર્ક કરીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે કોઇપણ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ વિભાગને જાણ કરવા તેમજ જો કોઇ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.


