ગરવી તાકાત મેહસાણા: વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના યુવકને ફેસબુક ઉપર જાહેરાત જોઈને લોન લેવા જતાં ભારે પડ્યુ છે. રૂપિયા 5 લાખની લોન અપાવી દેવાના બહાના હેઠળ અજાણ્યા શખ્સે ડોક્યુમેન્ટસ મેળવી જીએસટીમાં રૂપિયા 4 કરોડનું ઓવર ટ્રાન્ઝેક્શન કરી લેતાં યુવકને 18 ટકા જીએસટી ભરવાની નોટિસ મળી છે. યુવકે મોબાઈલ નંબરના આધારે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ આપતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે
ભાન્ડુના પાર્થ સંજયભાઈ પટેલને રેડીમેડ કપડાનો ધંધો કરવા માટે પૈસાની જરૂર હોવાથી ફેસબુક ઉપર લોનની જાહેરાત જોયા બાદ 8160476037 નંબર ઉપર કોલ કરતાં સામેની વ્યક્તિએ આધારકાર્ડ, પાનકાર્ડ, કોરો ચેક, બેન્કનુ સ્ટેટમેન્ટ અને પાસબુકની નકલ મંગાવી હતી. તેથી પાર્થ પટેલે વોટ્સએપ ઉપર ડોક્યુમેન્ટ મોકલતાં કાપડના ધંધાનુ નામ આપીને જીએસટી નંબર મેળવવા પ્રોસેસ કરવાનુ કહ્યુ હતુ. લોનના જામીનદાર તરીકે યુવકે તેના માસા-માસીના ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. ત્યારબાદ સામેના વ્યક્તિનો મોબાઈલ નંબર બંધ થયો હતો
વિસનગર જીએસટી વિભાગના એક અધિકારીએ જણાવેલ કે, તમારા પીપી એન્ટરપ્રાઈઝના જીએસટી નંબર ઉપર 4 કરોડ રૂપિયાના ઓવર બીલીંગના ટ્રાન્ઝેક્શન થયેલા હોવાથી 18 ટકા જીએસટી ભરવો પડશે તેમ કહેતાં યુવકને છેતરાયાનો અહેસાસ થયો હતો. તેથી પાર્થ પટેલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે મોબાઈલ નંબરના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે


