ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને વિશ્વઉમિયાધામના ટ્રસ્ટીઓની અમદાવાદમાં સંયુક્ત બેઠક યોજાઈ
ઊંઝા ઉમિયાધામ અને વિશ્વ ઉમિયાધામના પાટીદાર ટ્રસ્ટીઓની બેઠકમાં જાણો પ્રમુખોના નિવેદન
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીઓની અમદાવાદમાં સંયુક્ત બેઠક યોજાઈ. અમદાવાદમાં બે સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે મળી હતી. પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક પર આજે સૌ કોઈની નજર હતી.

ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને વિશ્વ ઉમિયાધામ એમ બન્ને સંસ્થા વચ્ચે અંતર હોવાની ચર્ચા વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી. ત્યારે વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે બે સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ. જેમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુ જમના પટેલ, મંત્રી દિલીપ પટેલની ગેરહાજરી જોવા મળી છે. બન્ને સંસ્થા વચ્ચે તાલમેલ વધે તે માટે પ્રયાસ કરાયો હતો.

પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક બાદ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. આર પી પટેલે જણાવ્યું હતું કે, અમારી માતૃ સંસ્થાના ટ્રસ્ટીઓ આજની બેઠકનમાં આવ્યા જેના કારણે અમને આનંદ થયો છે. જે સમાજના આગેવાન છે અહીંના હોય કે ત્યાંના હોય બધા એક જ છે. કોઇ અનુકુળ કે પ્રતિકુળતા ન હોય તો તે વ્યક્તિ ન આવ્યા હોય. બધા એકમેક થઇ પાટીદાર સમાજ માટે કામ કરીશું. તેમણે ઉમેર્યું હતું કે, પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓમાં કોઈ પણ જાતના મતભેદ નથી. તેને કોઇ સ્થાન પણ ન હોવું જોઇએ. ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના 50 ટ્રસ્ટીઓ વિશ્વઉમિયાધામ બેઠકમાં હાજરી આપી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિશ્વઉમિયાધામ પણ વિશ્વપ્રસિદ્ધ બનશે – M S પટેલ, ઉંઝા
આ ઉપરાંત ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ ( એમ.એસ.પટેલ) કાર્યક્રમ અંગે વાત કરતા જણાવે છે કે વિશ્વઉમિયાધામના ટ્રસ્ટીઓ દ્વારા અમારુ સ્વાગત કર્યું તે બદલ આભાર. બંને સંસ્થા એક જ છે. અને સમાજપયોગી કામોમાં અમે વિશ્વઉમિયાધામની સાથે છીએ. વધુમાં તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવી રીતે વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે તેવી જ રીતે મા ઉમિયાનું વિશ્વનું ઉંચામાં ઉંચું મંદિર એટલે વિશ્વઉમિયાધામ પણ જગપ્રસિદ્ધ થશે.


