” સેલ્ફ ડિસિપ્લિન ફોર સક્સેસ ઈન લાઇફ ” વિષયે પૂર્વ ડીજીપી શ્રી અજય કુમાર તોમરે આપ્યું વિદ્વતાપૂર્ણ અને વિચાર – પ્રેરક વ્યાખ્યા
ગીતા પતંજલિ અને અનેક મહાનુભાવોના સારસક જીવનના ઉદાહરણો દ્વારા સેલ્ફ ડિસિપ્લિન અને એનર્જી મેનેજમેન્ટ નો કર્યો મહિમા.
( ગણપત વિદ્યાનગર)
ગરવી તાકાત -તા. 14 માર્ચ,
ગણપત યુનિવર્સિટીના પ્રથમ પ્રેસિડેન્ટ સ્વ. શ્રી અનિલભાઈ પટેલના જન્મદિવસને યુનિવર્સિટી દર વર્ષે ” વિદ્યા શિલ્પી દિવસ ” તરીકે ઉજવે છે, જેની તાજેતરમાં ઉજવણી થઈ હતી, જેમાં પૂર્વ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અને કમિશનર પોલીસ, સુરત, આઈપીએસ શ્રી અજય કુમાર તોમરનું વિશેષ વ્યાખ્યાન ગોઠવાયું હતું.
ગણપત યુનિવર્સિટી દ્વારા યોજાતી ” પબ્લિક સર્વિસ લીડરશીપ વ્યાખ્યાન શ્રેણી”ના વધુ એક મણકા સ્વરૂપે યોજાયેલું આ પ્રવચન ” સેલ્ફ ડિસિપ્લિન ફોર સક્સેસ ઇન લાઈફ ” વિષયે યોજાયું હતું.
વ્યાખ્યાનના પ્રારંભે ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ – દાદાએ શ્રી અજય કુમારનું ગણપત યુનિવર્સિટીનો ખેસ ઓઢાડી સ્વાગત કર્યું હતું.
આ અવસરે ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટ જનરલ પ્રોફેસર ડોક્ટર શ્રી મહેન્દ્ર શર્મા, ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર શ્રી ગિરીશભાઈ પટેલ, વિવિધ ફેકલ્ટીના ડિન્સ, યુનિવર્સિટીની કોલેજોના આચાર્યશ્રીઓ, ડાયરેકટર્સ, પ્રાધ્યાપકો, આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા .
પ્રવચનના પ્રારંભે શ્રી અજય કુમાર તોમરે કહ્યું હતું કે
” ડિસિપ્લિન ” શબ્દથી આપ સૌ કંટાળી ગયા હશો, શાળામાં સાહેબ “ચૂપ” કરી દેતા હતા . કોઈ હલનચલન પણ કરવા દેતા ન હતા પરંતુ સદભાગ્ય આજે હું એવી ” ડિસિપ્લિન ” કે એવી
” શિસ્ત”ની વાત નથી કરવાનો એમ કહી એમણે મનની શક્તિની, સંકલ્પની, ઉર્જાની શક્તિ અને તેના દ્વારા થતા
” ડિસિપ્લિન મેનેજમેન્ટ “ની બહુ વિગતે વાત કરી હતી. મહાભારતના યુદ્ધ વખતના અર્જુન-કૃષ્ણનાં સંવાદોનો સંદર્ભ ટાંકીને એમને ગીતાના સૌથી મહત્વના સંદેશની વાત કરી હતી, જેમાં કહેવાયું છે કે તમે જો તમારામાં ઊંડા ઉતરશો તો જણાશે કે તમે જ સર્વ શક્તિમાન છે, પરમાત્મા છો. તમે તમારી જાતને નિયંત્રિત કરી શકો છો.
શ્રી અજય કુમાર તોમરે પતંજલિના અષ્ટાંગ યોગનો પણ સંદર્ભ ટાંક્યો હતો અને કહ્યું હતું કે મન અને શરીર જુદા નથી. મનને સ્વસ્થ રાખશો તો શરીર પણ સ્વસ્થ થઈ જશે.
જીવનમાં સફળ થવા માટે – આપણા ઊંચા ધ્યેયને હાંસલ કરવા માટે પૂરી ઉર્જા સાથે પ્રવૃત્ત થવું જરૂરી છે પરંતુ આપણા દુર્ગુણો આપણી ઉર્જા શક્તિને હાનિ પહોંચાડે છે એવી અનેક વાતો દાખલા દલીલ સાથે કરી અને શ્રી અજયકુમાર તોમરે એક અસરકારક ઉદાહરણ આપ્યું હતું.
આપણે કુવામાંથી પાણી સિંચવા બાલ્ટીનો ઉપયોગ કરીએ છીએ અને જો એમાં છિદ્રો હોય તો બાલ્ટી ઉપર આવે ત્યાં સુધીમાં એમાંથી પાણી નીકળી જશે. આપણી ઊર્જાનું પણ આવું થાય છે – આપણા વ્યક્તિત્વમાં રહેલા કામ, ક્રોધ, મોહ, ઈર્ષા એવાં છિદ્રો છે, જેમાંથી આપણી ઊર્જા ખતમ થઈ જાય છે, માટે દુર્ગુણો છોડો !
આપણે નોબલ પુરાસ્કારો કેમ આટલાં ઓછા મેળવ્યા છે? સ્પોર્ટ્સ – ઓલિમ્પિકસમાં મેડલ્સ કેમ આટલા ઓછાં મેળવ્યા છે તેની વિગતો સાથે એમણે ચર્ચા કરી કહ્યું હતું કે બાળકોના ઉછેરમાં અને શાળા શિક્ષણ દરમિયાન આપણે જે કાળજી રાખવી જોઈએ તે આપણે રાખતા નથી. આપણે યોગ્ય સમયે યોગ્ય વિવેક કરતા નથી. વિવેક જાગૃત હશે તો શિસ્ત બની રહેશે.
શ્રી અજય કુમાર તોમરે વિદ્યાર્થીઓને એક બહુ મૂલ્યવાન શીખ આપતા કહ્યું હતું કે સંકલ્પ કરો કે, મારી શક્તિઓનો હું શ્રેષ્ઠ ઉપયોગ કરીશ.
એમણે સોશિયલ મીડિયાના કલાકો, કલાકોના ઉપયોગ સામે પણ લાલ બત્તી ધરી હતી . પોતાના ” પેશન “ને અનુરૂપ લક્ષ નિર્ધારિત કરો અને એને સિદ્ધ કરવા મંડ્યા રહો એવી વાત કરતા એમણે સચિન તેંડુલકરનો બાળપણથી જ ક્રિકેટ સાધના કરી પ્રાપ્ત કરેલી ઉંચી સિદ્ધિઓનો દાખલો આપ્યો હતો. શ્રી તોમર સાહેબે સ્ટીવ જોબ્સના જીવનમાંથી કેટલીક મહત્વની વાતો પણ કરી હતી. પ્રવચનના અંતે શ્રી અજય કુમારે ” સેલ્ફ ડિસિપ્લિન ” અને
” એનર્જી મેનેજમેન્ટ ” નો મહિમા સમજાવ્યો હતો .
પોતાના અભ્યાસપૂર્ણ અને 8અનુભવસિદ્ધ પ્રવચન દ્વારા શ્રી અજય તોમર સાહેબે ભારે મંત્રમુગ્ધ કરી દીધા હતા.
*************************************