ગરવી તાકાત ઃ20-9-2026
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ નાસતા ફરતા ગુનેગારોને ઝડપી લેવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી કડક કાર્યવાહી અંતર્ગત વડનગર પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા ખેરાલુ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. કંસારાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.પી. સીસોદીયાએ સ્ટાફના કર્મચારીઓને વોરંટના આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ સૂચનાના આધારે વડનગર પોલીસની ટીમ સતત વોચમાં હતી. આ દરમિયાન વડનગર પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના ક્રિમિનલ કેસ નંબર-૨૦૨/૨૦૨૧ ના સજા વોરંટનો આરોપી છેલ્લા કેટલાક સમયથી પોલીસની ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો અને પોલીસને ચકમો આપી રહ્યો હતો. આ નાસતા ફરતા ઈસમ અંગે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના એએસઆઈ મૂળજીભાઈ જેઠાભાઈને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે તેમણે સરાહનીય કામગીરી કરી વોરંટવાળા આરોપી ઠાકોર કિશનજી રતનજી (રહેવાસી: સબલપુર, તાલુકો: વડનગર, જિલ્લો: મહેસાણા)ને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટના સજા વોરંટના આરોપીને ઝડપી લેવામાં વડનગર પોલીસને મળેલી આ સફળતાથી અસામાજિક તત્વો અને નાસતા ફરતા ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે પોલીસની આ પ્રશંસનીય કામગીરીની સ્થાનિક સ્તરે પણ સરાહના થઈ રહી છે.


