ગરવી તાકાત ઃ 20-9-2026
ગાંધીનગર રેન્જ આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા એસપી હિમાંશુ સોલંકીની નશાબંધી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના અંતર્ગત મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે લાંઘણજ પોલીસ મથકની હદમાં આવેલા આંબલીયાસણ ગામના ચરાડુ પરા વિસ્તારમાં રહેતો ઠાકોર લાલાજી ઉર્ફે બોબો રામાજી પોતાના ઘરના આંગણામાં પાર્ક કરેલી બે ગાડીઓમાં વિદેશી દારૂ રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે.
આ ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ એ.ડી. કાકરેચા અને એલસીબીની ટુકડીએ પંચોને સાથે રાખી તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો. આંગણામાં પાર્ક કરેલી સફેદ રંગની મારુતિ સુઝુકી ૮૦૦ (જીજે-૨૪-એ-૨૯૬૨) તેમજ મારુતિ ઇકો કાર (જીજે-૦૨-ડીએમ-૪૯૪૯)ની સઘન તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના કુલ ૧,૮૮૧ બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રુ.૫.૯૩ લાખ થાય છે. પોલીસે રુ.૫.૯૩ લાખનો દારૂ અને બંને વાહનો મળીને કુલ રુ.૧૦.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાની સમગ્ર સફળ કામગીરીમાં પીઆઈ એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.ડી. કાકરેચા, એએસઆઈ પિયુષકુમાર સહિત સ્ટાફના જવાનો જોડાયા હતા.


