ગરવી તાકાત મહેસાણા : ઊંઝા શહેરમાં એક ઘટના સામે આવી, જ્યાં વણાગલા રોડ પર આવેલા રાવળ સમાજના સ્મશાન ગૃહની બહારની દીવાલ પાસેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો.12 ફેબ્રુઆરી રોજ સાંજે 3:40 વાગ્યા પહેલા કોઈ સમયે મહિલાનું મૃત્યુ થયું હોવાનું અનુમાન છે.
મૃતક મહિલાની ઉંમર આશરે 35થી 40 વર્ષની હોવાનું અંદાજવામાં આવ્યું છે. મહિલા શ્યામ વર્ણની છે અને તેના માથામાં કાળા-સફેદ વાળ છે. મૃત્યુ સમયે તેણે કાળા રંગનું જેકેટ અને વાદળી રંગનું બ્લાઉઝ પહેરેલું હતું. પોલીસે ઘટનાસ્થળે પંચનામું ભરી, લાશને પોસ્ટમોર્ટમ માટે ઊંઝા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.
મહિલાના કોઈ વાલી-વારસ હજુ સુધી મળી આવ્યા નથી, જેથી તેની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ચાર દિવસ માટે રાખવામાં આવી છે. ઊંઝા પોલીસ સ્ટેશનના PSI એસ.વી.પઢારિયાએ જણાવ્યું કે, જો કોઈને મહિલા વિશે માહિતી હોય તો પોલીસ સ્ટેશનના ફોન નંબર 02767-247871 પર સંપર્ક કરવા અપીલ કરી છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


