ભરોસાની ભાજપ સરકારે બિલ્ડરોને આપેલા ભરોસાને ચોવીસ કલાક વિત્યાં, રાજ્ય સરકાર અસમંજસમાં

February 8, 2023

જંત્રીદરમાં તોતીંગ વધારા મામલે બિલ્ડરો ગુરૂવારે રણનીતિ ઘડશે

રાહત ન મળે તો ગુરૂવારની બેઠકમાં લડત સહિતના પગલાની વિચારણા કરશે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 08 – રાજય સરકારે જંત્રીદરમાં એક જ ઝાટકે 100 ટકાનો વધારો કરી દેવા સામે ગ્રાહકોથી માંડીને બિલ્ડરોમાં ઘુંઘવાટ પ્રવર્તી જ રહ્યો છે.લોકો પર પડી રહેલા આકરા નાણાંકીય બોજને ધ્યાનમાં રાખીને સરકાર રાહત આપશે તેવો આશાવાદ રાખવામાં આવતો હોવા છતાં 48 કલાક પછી સરકારે કોઈ નિર્ણય ન કરતા બિલ્ડરો લડતનો મિજાજ વ્યકત કરવા લાગ્યા છે અને તેના ભાગરૂપે ગુરૂવારે બેઠક બોલાવવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બિલ્ડર સંગઠનના સુત્રોએ કહ્યું કે રાજય સરકાર સાથે ક્રેડાઈની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સરકારનું મન ખુલ્લુ ’હોવા જેવો પોઝીટીવ પ્રતિસાદ આપ્યો હતો નાના-સામાન્ય વર્ગ પરેશાનીમાં ન મુકાય તેની કાળજી રાખવાનું આશ્વાસન આપ્યું હતું. સરકારના આ અભિગમથી બીલ્ડરોને રાહત મળવાની આશા જાગી હતી. પરંતુ બેઠકનાં ચોવીસ કલાક પછી પણ કોઈ નિર્ણય ન થતા કચવાટ ઘુંઘવાટ વધવા લાગ્યો છે.

મુખ્યમંત્રી સમક્ષની રજુઆતમાં બિલ્ડરોએ જંત્રીદર વદારાનો નિર્ણય જ ત્રણ મહિના સ્થગિત રાખવાની માંગ કરી હતી. આ સિવાય ઘરનું ઘર કે વ્યાપાર વ્યવસાય શરૂ કરવા માંગતા લોકોને રાહત રહે તે માટે આવાસ તથા દુકાનનાં જંત્રીદરમાં 20 ટકા જ વધારો કરવા સુચવ્યુ હતું. આ સિવાય નવી શરતની જમીનને નવી શરતમાં ફેરવવા લેવાતા પ્રિમીયમ 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરવા સહીત અર્ધોડઝન મુદ્દા રજુ કરવામાં આવ્યા હતા. રાજય સરકારે આશ્વાસન આપ્યા પછી 24 કલાકે પણ કોઈ નિર્ણય જાહેર ન કરતાં બિલ્ડરોમાં નારાજગી વધવા લાગી છે અને સરકાર કોઈ નિર્ણય કરશે કે કેમ અને કયારે કરશે તે વિશે તર્કવિતર્ક વ્યકત થવા લાગ્યા હતા. રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ તથા ક્રેડાઈ ગુજરાતનાં પૂર્વ ચેરમેન પરેશ ગજેરાએ કહ્યું કે જંત્રીદરનો તોતીંગ વધારો કોઈ કાળે સહન થાય તેમ નથી.

રાજય સરકારને વિગતવાર રજુઆત કરી જ છે. કેબીનેટ બેઠકમાં નિર્ણય થવાની આશા હતી પરંતુ આજની બેઠકમાં નિર્ણય થયો છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયુ નથી. બિલ્ડર સંગઠનોએ આવતીકાલ બુધવાર સુધી રાહ જોવાનું નકકી કર્યું છે. સરકારનો કોઈ નિર્ણય ન આવે તો ગુરૂવારે બેઠક યોજીને હવે શું કરવુ? તેની ચર્ચા કરીને ફેસલો લેવાની તૈયારી કરવામાં આવી છે. જંત્રીદરનાં તોતીંગ વધારાથી મિલ્કત ખરીદનારા ગ્રાહકથી માંડીને બિલ્ડર-ડેવલોપરોના નાણાંકીય ગણીત બગડી જાય તેમ હોવાનો પુનરોચ્ચાર કરતા તેઓએ કહ્યું કે કોરોનાકાળ બાદ રીયલ એસ્ટેટ ક્ષેત્રની ગાડી માંડ પાટે ચડી હતી તેવા સમયે સરકારનાં પગલાથી પંકચર પડી ગયુ છે.રીયલ એસ્ટેટ ક્ષેત્ર કેટલાંક વખતથી વધુ છુટછાટો માંગતુ હતું તેના બદલે સરકારે બોજ નાખી દીધો છે. તમામ વર્ગોની તીવ્ર અસર થવાની આશંકા હોવાથી સરકારે રાહત આપવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે જંત્રીદર વધારાથી મીલકત દસ્તાવેજોમાં થતા કાળા-ધોળાના વ્યવહારો ઘણા અંશે નિયંત્રીત થઈ શકે છે. પરંતુ બીજી તરફ બિલ્ડરોને ઈન્કમટેકસ બોજ વધી જાય તેમ છે.પ્રોપર્ટી ખરીદતા લોકોને ઉંચા દસ્તાવેજનો આર્થિક બોજ આવે તેમ છે. કેપીટલ ગેઈન ટેકસ, જીએસટી, જમીન પ્રિમીયમ, પેઈડ એફએસઆઈ, પ્રોપર્ટી-ટેકસ, વગેરેમાં પણ ભારણ વધી જાય તેમ છે. જાણકારોએ એવો દાવો કર્યો જ હતો કે જંત્રીદર વધારાથી ખાસ કરીને નવા પ્રોજેકટો 20 ટકા મોંઘા થઈ જવાનું જોખમ છે. એટલે સામાન્ય લોકોની ઘર ખરીદવાની ગણતરી ધુળધાણી થઈ શકે છે. જંત્રીદર મુદ્દે રજુઆતની સાથોસાથ બિલ્ડરોએ લડત માંડવાની તૈયારી પણ રાખી જ છે. ગુરૂવારે રાજય વ્યાપી બેઠક કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. માત્ર ગ્રાહકો જ નહિ. મહેસુલી વકીલો રેવન્યુ બાર એસોસીએશન વગેરેએ પણ વિરોધ કરીને આ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0