*આ રહસ્ય અકબંધ હતું, અકબંધ છે અને અકબંધ રહેશે, કે જે નથી મળ્યું,નથી મળવાનું તે જ જોઈએ છે શા માટે ?*

February 8, 2025
*યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ થરા શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા*
અમેરિકાના બીજીવાર ચુંટાયેલા પ્રમુખ ટ્રમ્પે તેમના દેશમાં બિનકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતા લોકોને હાંકી કાઢવા માટે કડક હાથે કાર્યવાહી કરી રહયા છે ત્યારે ૧૦૪ ભારતીયો પણ પ્રથમ જથ્થામાં આવ્યા જેમાં ૩૩ જેટલા આપણા રાજયના છે. ટ્રેમ્પનું પગલું વખોડી કાઢવા જેવું નહીં પણ કોઈપણ રાષ્ટ્ર માટે બોધપાઠ લેવા જેવું કહેવાય.શરણાર્થી અને ઘુસણ ખોર બંને અલગ છે. આપણે ત્યાં દુઃખ સાથે લખવું પડે છે કે ઘૂસણખોર વોટબેંકની મુડી બને છે.જે હોય તે આપણે હાથકડી પહેરાવી દીધી તેની વિરોધ છે. આજે આપણે ભગવદ્ ગીતા જ્ઞાનમાં જોઇએ તો દુઃખમાં જ મનુષ્યને ડહાપણ આવે છે, દુઃખમાં જ જીવને પ્રભુ પાસે જવાનું મન થાય છે. વિપત્તિમાં જ એનું સ્મરણ થાય છે,તેથી વિપત્તિ એ સાચી સંપત્તિ છે. આપણે જેને વિપત્તિ કહીએ છીએ એ સાચી સંપત્તિ નથી અને જેને સંપત્તિ કહીએ છીએ એ સાચી સંપત્તિ નથી,પરંતુ પ્રભુનું વિસ્મરણ થાય એ સાચી વિપત્તિ,અને નારાયણનું સ્મરણ એ સાચી સંપત્તિ છે.
ત્યારે શ્રીકૃષ્ણ કહે છે, તમે આ શું માગો છો? ઘણા વર્ષે હવે સુખ ભોગવવાનો સમય આવ્યો છે, તોયે તમને હજુ દુઃખ ભોગવવાની હોંશ છે?સર્વ પ્રકારનું જેનું અભિમાન છૂટે છે, જે દીન બને છે તે ભગવાનને વહાલા લાગે છે. કુંતાજી દીન બન્યાં છે. તેઓ કહે છે કે, હું જે માગું છું તે યોગ્ય છે. દુઃખ મારો ગુરુ છે. જે દુઃખમાં નારાયણનું સ્મરણ થાય એ સુખ છે, તેને દુઃખ કેમ કહેવાય? વિપત્તિમાં તમારું સ્મરણ થાય છે તેથી તેને હું મારી સંપત્તિ માનું છું.
સુખને નાખો ખાડામાં. સુખનું શું કામ છે? બલિહારી દુઃખની પળે પળે જ્યારે પ્રભુનું નામ જપાય છે. હું ફરી ફરી માગું છું કે, મારે માથે વિપત્તિ આવે કે,જેથી તમારાં ચરણનો આશ્રય કરવાની મારી ભાવના કાયમ રહે.
ચાર પ્રકારના મદથી મનુષ્ય ભાન ભૂલે છેઃ૧.વિદ્યામદ,૨.યૌવનમદ, ૩.દ્રવ્યમદ,૪.અધિકારમદ.
આ ચાર પ્રકારના મદથી જીવ ભગવાનને ભૂલી જાય છે. પોતાનું બાળક રડે છે, ત્યારે પ્રોફેસર તાળી પાડે અને તેને છાનું રાખવા પ્રયત્ન કરે છે.તે વખતે ભૂલી જાય છે કે પ્રોફેસર છું પ્રોફેસર સાહેબ કથામાં આવે છે, ત્યારે કીર્તનમાં તેમને તાળી પાડતાં શરમ આવે છે પણ ઘરે બાબાને રમાડતાં તાળી પાડતાં શરમ નથી આવતી! ભણેલા લોકોને ભજનમાં શરમ આવે, તો એના જેવું શરમજનક બીજું શું હોઈ શકે?ભગવાને કહ્યું છે, આ ચાર પ્રકારના મદથી જીવ ઉન્મત્ત બને છેઅને મારું અપમાન કરે છે
આ મદવાળાની જીભને કીર્તન વખતે પાપ પકડી રાખે છે ને ધમકાવે છે કે, તું બોલીશ તો મારે ભાગવું પડશે માટે ચૂપ રહે!
મહાભારતમાં કહ્યું છે કે,સર્વ પ્રકારના રોગનો જન્મ મદમાંથી થયો છે. માટે દીન બની પ્રાર્થના કરો. પ્રભુના જન્મનું પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવ્યું છે, પરંતુ મને લાગે છે કે દુષ્ટોનો વિનાશ કરવો એ પ્રભુના જન્મનું પ્રધાન કાર્ય નથી. પરંતુ ભક્તોને પ્રેમનું પ્રદાન કરવા તેઓ આવ્યા છે.
કુંતાજી કહે છે કે, જ્યારે તમે ગોકુળમાં બાળલીલા કરતા હતા, ત્યારે હું તમને જોવા આવી હતી. તમારું એ બાલસ્વરૂપ મારાથી હજુ ભૂલાતું નથી.એ વખતે યશોદાએ તમને બાંધ્યા હતા. તે ઝાંખી મને થઈ છે તે હજુ ભૂલાતી નથી. આપ એવી દયા કરો કે, મને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય.
મર્યાદા પુષ્ટિભક્તિનાં આ પ્રમાણે વખાણ કરે છે. કુંતા યશોદાનાં વખાણ કરે છે. પ્રેમનું બંધન ભગવાન પણ ભૂલી શકતા નથી. એટલે યશોદાની યાદથી કાળ પણ જેનાથી કાંપે છે તે કાળના કાળ શ્રીકૃષ્ણ આજે થરથર કાંપે છે.
સગુણ બહ્મનો સાક્ષાત્કાર થયા પછી સંસારમાં આસક્તિ રહી જાય છે. સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બંનેનું આરાધન કરે, તેની ભક્તિ સિદ્ધ થાય છે, એટલે એ સ્નેહ પાશને કાપી કાઢવાનું કહ્યું છે.
ભગવાન બધું કરે છે પણ વૈષ્ણવ ને નારાજ કરી શકતા નથી કુંતાજીનો ભાવ જાણી ભગવાન પાછા વળ્યા છે.કુંતાજીના મહેલ માં ભગવાન પધાર્યા છે. અતિશય આનંદ થયો છે અને અર્જુન ત્યાં આવ્યા છે. માને કહે છે કે,શ્રીકૃષ્ણ મારાસખા છે. મારા માટે પાછા આવ્યા છે.
કુંતાજી કહે છે, રસ્તામાં જઇને હું ઊભી રહી એટલે પાછા આવ્યા છે .
દ્રૌપદી કહે, ના રે, શ્રીકૃષ્ણની આંગળી કપાઈ હતી, ત્યારે મારી સાડી ફાડી પાટો મેં બાંધેલો એટલે મારા માટે આવ્યા છે.
સુભદ્રા કહે છે, તમે તો કેવળ માનેલાં બહેન છો. સગી બહેન તો હું છું.એટલે મારા માટે તેઓપાછા આવ્યા છે. મને મળવા આવ્યા, ત્યારે હું રડી અને કઈ ન બોલી શકી માટે પાછા આવ્યા છે.
પ્રભુ સર્વને વહાલો, પણ એ કોઈ એકનો નહીં. એ તો સર્વથી ન્યારો છે.શ્રીકૃષ્ણ કહે છે,હું કોઈ સગાઇ ને માનતો નથી.માત્ર પ્રેમ સગાઇમાં માનું છું.હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું.મને ભીષ્મ યાદ કરે છે.
ભીષ્મપિતા તે વખતે મૃત્યુશૈયા પર પોઢેલા છે. તેમનું મરણ સુધારવા ભગવાન પાછા આવ્યા છે.મહાત્માઓનું મરણ મંગલમય હોય છે. સંતનો જન્મ આપણા જેવો હોય છે, તેથી તેઓની જન્મ તિથિ ઊજવાતી નથી.પરંતુ સંતોનું મરણ પુણ્યમય હોય છે, મંગલમય હોય છે, તેથી તેઓની મરણતિથિ ઊજવાય છે. ભીષ્મપિતાનું મરણ કેવી રીતે થાય છે તે જોવા મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે.
ધર્મરાજાને પ્રભુએ ઉપદેશ કર્યો પણ તેને સાંત્વના મળતી નથી, એટલે પ્રભુ તેમને ભીષ્મપિતા પાસે જવા કહે છે. બધા બાણ ગંગાના કિનારે ભીષ્મ સૂતા છે ત્યાં આવ્યા છે.
બાણશૈયા પર પોઢેલા ભીષ્મ વિચારે છે કે, ઉત્તરાયણમાં મારે મરવું છે. તેમણે કાળને કહ્યું કે, હું તારો નોકર નથી. મારા શ્રીકૃષ્ણનો સેવક છું. મને ભગવાને વચન આપેલું છે કે, અંતકાળે હું જરૂર આવીશ.પણ તેઓ કેમ હજુ દેખાતા નથી?મારા નારાયણઆવે તો તેમના દર્શન કરી હું પ્રાણત્યાગ કરીશ.આમ વિચારે છે તે જ વખતે ધર્મરાજા ત્યાં આવે છે.
ભીષ્મ ધર્મરાજાને કહે, શ્રીકૃષ્ણ સાક્ષાત્ પરમાત્મા છે. મારું મરણ સુધારવા તેઓ આવ્યા છે.
ભીષ્મે ભગવાનને વચનથી બાંધ્યા હતા.કૌરવ-પાંડવ યુદ્ધ વખતે દુર્યોધન ભીષ્મપિતાને ટોણો મારી કહે, દાદાજી, આઠ દિવસ થયા કોઈ પાંડવને તમે મારી શક્યા નથી. દાદાજી, તમે બરાબર લડતા નથી. તમારે મને જ મારવો છે.આ સાંભળી ભીષ્મ આવેશમાં આવી ગયા.આવેશમાં દુર્યોધનને કહ્યું, રાત્રે બાર વાગે હું ધ્યાનમાં બેસું,ત્યારે તારી રાણીને આશીર્વાદ લેવા મોકલજે.હું અખંડ સૌભાગ્યનું વરદાન આપીશ. પછી તો હું તારું હિત ચાહું છુંએની તને ખાતરી થશે ને! શ્રીકૃષ્ણને આ સાંભળી ચિંતા થઈ. તેઓ દુર્યોધનની પત્ની ભાનુમતીને મળ્યા પછી કહે,દાદા જી તો ઘરના છે.આજે જ જવાની શું ઉતાવળ છે? આવતીકાલે દર્શન કરવા જજેને ભાનમુતિ કહે, ભલે, તો કાલે ડોસાને ગમે ત્યારે મળશે.પછી શ્રીકૃષ્ણે દ્રોપદીને જગાડી, અને એને લઇને ભીષ્મપિતા પાસે ગયા.
ભીષ્મપિતા ધ્યાન કરે છે. આજે દ્વારિકાધીશનું સ્વરૂપ દેખાતું નથી પરંતુ કાળી કામળી, હાથમાં દીવો વગેરે સ્વરૂપવાળા ભગવાન દેખાય છે.આજે ભગવાન દ્રૌપદીના ખવાસ થઇને આવ્યા છે. દ્વારપાળે અટકાવ્યા. પુરુષને અંદર જવાની મનાઈ છે એટલે એકલી દ્રૌપદી અંદર જઈ પ્રણામ કરે છે. દુર્યોધનની પત્ની ભાનુમતિ આવી છે એમ માની ભીષ્મ આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ! દ્રૌપદી બોલી, દાદાજી, તમારો આશીર્વાદ સાચો પડશે જ. ભીષ્મ પૂછે છે કે, તું કોણ છે? દ્રૌપદીએ જવાબ આપ્યો કે, હું પાંડવોની પત્ની દ્રૌપદી છું.
ભીષ્મ કહે,મેં તને આશીર્વાદ આપ્યા છે તેમાં હવે મીનમેખ થાય નહીં. પાંડવોને મારવાની પ્રતિજ્ઞા મેં આવેશમા લીધી છે,સાચા હૃદય થી નહીં.સાચા હૃદયથી તને આશીર્વાદ આપ્યા છે તે સાચા પડશે પણ તું પહેલાં મને કહે, તું અહીં આવી કેવી રીતે? શ્રીકૃષ્ણનું જ આ કામ. ક્યાં છે એ! ભીષ્મ દોડતા બહાર આવ્યા. શ્રીકૃષ્ણને કહે,આજે તો હું આપનું ધ્યાન કરું છું,પણ અંત કાળે તમારું સ્મરણ રહેશે કે નહીં તેની ખબર નથી. માટે અંત કાળે મારી લાજ રાખવા આવજો તે વખતે મને લેવા આવજો! તે વખતે શ્રીકૃષ્ણે ભીષ્મ પિતાને વચન આપેલું કે હું જરૂર આવીશ. તેમને આપેલુંએ વચન સત્ય કરવા આજે દ્વારિકા નાથ પધાર્યા છે.પ્રભુની રોજ પ્રાર્થના કરજો.મારા મૃત્યુ સમયે આપ જરૂર આવજો. શરીર સારું હોય તો ધ્યાન-જપ થાય છે,પણ અંત કાળે દુઃખથી દેહનું સંધાન થાય છે તેથી પરમાત્માનું સ્મરણ કરવું કઠણ છે.
ભીષ્મપિતા શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે,પ્રભુ ઊભા છો તેવા જ ઊભા રહેજો!શ્રીકૃષ્ણ વિચારે છે કે, મને બેસવાનું પણ નહીં કહે ?પુંડલિકની સેવા મને યાદ આવે છે. તુકારામે પ્રેમમાં એકવાર પુંડલિકને ઠપકો આપ્યો છે.મારા વિઠ્ઠલનાથ તારે આંગણે આવ્યા તેની તેં કદર ન કરી.મારા પ્રભુને તેં ઊભા રાખ્યા છે.રોજ પ્રાર્થના કરો કે,નાથ,મારું મરણ સુધારજો. શરીરમાં શક્તિ છે ત્યારે જ ખૂબ ભક્તિ કરો અને પ્રભુને રીઝવો.
*યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા*
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0