– અમદાવાદ રહેતા કોન્ટ્રાકટર જમીન જોવા આવતાં ખુલાસો :
– પાંચ શખસો સામે ફરીયાદ : હીટાચી મશીનથી ખોદકામ કરી રૃ.43.68 લાખની માટી ચોરાઈ હોવાનો ઉલ્લેખ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ચાંદણકી ગામમાં માલિકીની જમીનમાંથી બારોબાર ૨૪૯૫૮ મેટ્રીક ટન સાદી માટીનું હિટાચી મશીનથી ખોદકામ કરીને ચોરી કરવામાં આવી હતી.આ અંગેની જાણ થતાં જમીન માલીકે બેચરાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પાંચ શખસો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં રહેતા અને છઠીયારડાના વતની કોન્ટ્રાકટર રાજેન્દ્રકુમાર નરસિંહભાઈ પટેલની પારિવારીક ભાગીદારીના બેચરાજીના ચાંદણકી ગામની સીમમાં આવેલ માંડલ-બહુચરાજી સ્પેશીયલ ઈન્વેસ્મેન્ટ રીઝનલ ડેવલોપમેન્ટ ઓથોરીટીમાં કુલ ૧૬૭૫૫ ચોમીના બે પ્લોટ આવેલા છે.આ જમીન જોવા માટે તેઓ પોતાના મિત્ર સાથે તાજેતરમાં ચાંદણકી આવ્યા હતા.જયાં હિટાચી મશીનથી તેમની જમીનમાં ખોદકામ કરીને સાદી માટી ત્રણ ડમ્પરમાં ભરવામાં આવી રહ્યા હતા.
જેથી અહીં ઉભેલા ધર્મેન્દ્રસિંહને પુછપરછ કરતાં ચોંકાવનારી હકિકત ખુલવા પામી હતી.જેમાં પરેશ પુજારા અને ભોપા ભરવાડ પાસેથી આ જમીન રાખીને જાવેદ મલેક અને ધર્મેન્દ્ર મળીને સુરાભાઈના હિટાચી અને ડમ્પરમાં માટી ખોદીને બેચરાજી પંથકમાં ચાલી રહેલા રેલવેના કામના ઉપયોગ માટે કલ્પતરુ પાવર ટ્રાન્સમીશનને આપતા હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી તેમણે આ અંગે બેચરાજી મામલતદાર અને મહેસાણા ખાણ ખનીજ વિભાગને જાણ કરતાં સ્થળ તપાસ કરીને ખોદકામ કરેલ માટીની માપણી કરવામાં આવી હતી.પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા નહીં કરાતા છેવટે જમીન માલીકે ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેમની જમીનમાંથી રૃ.૪૩.૬૮ લાખની અંદાજિત ૨૪૯૫૮ મેટ્રીક ટન સાદી માટીની ચોરી થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે.