બી.ડિવીઝન પોલીસ અને એલસીબીની ટીમે સીસીટીવી કુટેજમાં શંકાસ્પદ રીક્ષાના નંબરના આધારે ચોરીનો ભેદ ખોલ્યોં
ચાર રીઢા તસ્કરોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી જેલના સળીયા પાછળ ધકેલ્યાં
ગરવી તાકાત, મહેસાણા, તા. 07 – મહેસાણાના મોઢેરા રોડ પર આવેલ કંકુ કોમ્પ્લેક્ષમાં બે દિવસ અગાઉ મધરાતે તસ્કરો ત્રાટક્યાં હતા અને સાત દુકાનોના શટર તોડી દુકાનોમાં રહેલી વસ્તુઓ લઇને રફુચક્કર થઇ ગયા હતા જ્યારે સવારે સાત દુકાનોના તાળા તૂટ્યાં હોવાની જાણ થતાં તાત્કાલિક બી.ડિવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. 
જાે કે મહત્વનું છે કે રાત્રિ દરમિયાન મોઢેરા રોડ પરથી વાહનોની અવર જવર તેમજ રહેણાંક વિસ્તાર ધરાવતાં કોમ્પ્લેક્સમાંથી સાત દુકાનોના તાળા તૂટ્યાં હોવા છતાં કોઇને જાણ ન થઇ જ્યારે આ કોમ્પ્લેક્સમાં ચોકીદાર હોવા છતાં તસ્કરો સાત દુકાનોના તાળા તોડવામાં સફળ કેવી રીતે રહ્યાં આ સમગ્ર ઘટના જાેતાં મહેસાણામાં રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરતી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. જાે કે મહેસાણા બી.ડિવીઝન પોલીસ તેમજ એલસીબી પોલીસની ટીમ પર લાગેલો બટ્ટો માત્ર બે દિવસમાં ધોઇ નાખી ચોરીમાં સંડોવાયેલા શખ્સોને સીસીટીવી કુટેજ તેમજ ટેકનીકલ મદદની સાથે નિર્ણાયક કામગીરીથી ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં સંડોવાયેલા રીઢા ચાર તસ્કરોની ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં સફળતાં મેળવી હતી.
મહેસાણા એલસીબી અને બી ડિવિઝન પોલીસ મોઢેરા ચાર રસ્તા તરફ પેટ્રોલીંગ પર હતા એ દરમિયાન પોલીસને બાતમી મળી કે GJ 01 TF 3557 નંબરની રીક્ષામાં શંકાસ્પદ ચાર શખ્સો ઊંઝા તરફથી મહેસાણા તરફ આવી રહ્યા છે. જેમની પાસે એક કાળો થેલો છે જેમાં શંકાસ્પદ વસ્તુઓ હોવાનું તેમજ કયા કલરના શર્ટ તેમજ ટી શર્ટ પહેર્યા છે તે મુજબની માહિતી આપી હતી જેને આધારે પોલીસે મહેસાણા રામપુરા બ્રિજથી આગળ ઝરીન ગેસના ગોડાઉન પાસે હાઇવે પર વોચ ગોઠવી હતી.
આ દરમિયાન ઉપરોક્ત બાતમીવાળી રીક્ષા આવતાં તેને અટકાવી હતી અને રીક્ષામાં તપાસ કરતાં બાતમી મુજબના ચાર શખ્સો બેઠા હતા જેમની પાસે કાળો થેલો હતો જેમાં તપાસ કરતાં લેપટોપ, મોબાઇલ, હાર્ડડિસ્ક સહિતની વસ્તુઓ મળી આવી હતી. જ્યારે તેમની પુછપરછ કરતાં આ ચારેય શખ્સોએ કબુલાત કરી હતી કે મહેસાણા કંકુ કોમ્પલેક્સમાં સાત દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી. તેમજ પોલીસે અમદાવાદ જિલ્લાના પઠાણ અસલમ ખાન મોજમ ખાન, અજરૂદીન નજીરુદ્દીન શેખ, જાઉલ ઉર્ફ જાઉલો મલેક,સમીર ખાન ઈબ્રાહીમખાન પઠાણ ને ઝડપી કુલ 1,41,530 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસને સીસીટીવી કુટેજમાં શંકાસ્પદ રીક્ષા નંબરના આધારે ભેદ ઉકેલવામાં સફળતાં મળી
શહેરના મોઢેરા રોડ જેવા ભરચક વિસ્તારમાં એકી સાથે સાત દુકાનોના તાળા તૂોડી ચોરીની ઘટના બનતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યાં હતા જેને પગલે આ ચોરીની ઘટનાનો તાત્કાલિક ભેદ ઉકેલવા માટે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ મહેસાણા બી.ડિવીઝન પી.આઇ બી.વી.પટેલ તથા એલસીબી ઇન્ચાર્જ પી.આઇ જે.પી.રાવને આદેશ અને માર્ગદર્શન આપ્યું હતું જે મુજબ પોલીસે પચ્ચાસ જેટલા મોઢેરા સર્કલથી કંકુ કોમ્પલેક્સ સુધીના સીસીટીવી કુટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી એક શંકાસ્પદ રીક્ષા દેખાઇ હતી જેના નંબરના આધારે પોલીસે તપાસને લંબાવી આખરે ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી સફળ કામગીરી કરી હતી.


