કોર્ટે અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી લેવાના નિર્દેશ આપતા ગુજરાત હાઈકોર્ટના આદેશ પર હાલ રોક લગાવી
સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો
ગરવી તાકાત, તા.10 – ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી લેવા વિરુદ્ધના અદાણી પોર્ટ્સ અને એસઈઝેડ લિમિટેડની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ ગઈ છે. કોર્ટે અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી લેવાના નિર્દેશ આપતા ગુજરાત હાઈકોર્ટના આદેશ પર હાલ રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ પણ માંગ્યો છે.
અત્રે જણાવવાનું કે અદાણી પોર્ટ્સને કચ્છ વિસ્તારમાં 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી હાથ ધરી જેમાં જમીન ફાળવણીને પડકારવામાં આવી હતી. જનહિત અરજીમાં સ્થાનિક સમુદાય માટે ગૌચર જમીનના નુકસાનનો હવાલો આપવામાં આવ્યો હતો. 20 વર્ષ પહેલા અદાણી સમૂહને જે જમીન ફાળવવામાં આવી હતી તે ફાળવણી રદ કરવાનો નિર્દેશ અપાયો હતો.
વાત જાણે એમ છે કે ગુજરાત સરકારે શુક્રવારે હાઈકોર્ટને જાણ કરી કે તે લગભગ 108 હેક્ટર ગૌચર જમીન પાછી લઈ લેશે જે 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા પોર્ટ પાસે અદાણી સમૂહના એક યુનિટને આપવામાં આવી હતી. કચ્છના નવીનાળગામના રહીશો દ્વારા અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ લિમિટેડને 231 એકર ગૌચર જમીન ફાળવણી કરવાના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કર્યાના 13 વર્ષ બાદ સરકારે આ નિર્ણય લીધો છે.
જો કે રાજ્યના રેવન્યૂ વિભાગે 2005માં ફાળવણી કરી હતી પરંતુ ગ્રામીણોને આ અંગે ત્યારે ખબર પડી જ્યારે 2010માં એપીએસઈઝેડે ગૌચર જમીન પર વાડ લગાવવાનું શરૂ કર્યું. રહીશોના જણાવ્યાં મુજબ એપીએસઈઝેડને 276 એકરમાંથી 231 એકર જમીન ફાળવ્યા બાદ ગામમાં ફક્ત હવે 45 એકર ગૌચર જમીન વધી છે. તેમણે એવો પણ તર્ક આપ્યો કે આ પગલું ગેરકાયદેસર છે, કારણ કે ગામમાં પહેલેથી જ ગૌચર જમીનની કમી છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે આ જમીન સાર્વજનિક છે અને સામુદાયિક સંસાધન છે.