— સરકારે 3 વખત આપેલી બાહેંધરીનો અમલ નહી કરાતાં :
— વર્ગ-1ના તબીબો અને વર્ગ-2ના મેડિકલ ઓફિસરો જોડાયા :
ગરવી તાકાત મહેસાણા : રાજ્ય સરકારે પડતર માંગણીઓ સ્વીકારીને ૩ વખત આપેલી બાહેંધરીનો અમલ નહી કરાતા સરકારી તબીબો અને મેડિકલ ઓફિસરોએ સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ શરૃ કરી છે. જેના પગલે મહેસાણા જિલ્લાના ૨૦૦ થી વધુ સરકારી તબીબો અને મેડિકલ ઓફિસરોએ બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી હતી. તબીબોની હડતાળના કારણે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી.
ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમના નેજા હેઠળ આરોગ્ય સેવા સાથે સંકળાયેલા પાંચ સંગઠનોએ સોમવારથી રાજ્ય સરકાર સામે આંદોલન છેડીને અચોક્કસ મુદતની હડતાળ શરૃ કરી છે. મહેસાણા જિલ્લામાં ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશન સાથે સંકળાયેલા ૧૨૫ તબીબો, વડનગર મેડિકલ કોલેજ સાથે સંકળાયેલા ૧૦૦ તબીબો, જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરોએ બીજા દિવસે હડતાળ જારી રાખી છે.
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ૧૧ સ્પેશ્યાલિસ્ટ તબીબો અને ૧૨ મેડિકલ ઓફિસરો હડતાળ ઉપર જતાં તેની અસર ગરીબ દર્દીઓની સારવાર ઉપર પડી હતી. સિવિલના મોટાભાગના વિભાગોમાં તબીબોના અભાવે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. આ અંગે સિવિલ સર્જન ડો.યુ.બી.ગાંધીએ જણાવ્યુ હતુ કે, ૧૧ તબીબ અને ૧૨ મેડિકલ ઓફિસરો હડતાળ ઉપર હોવાથી ૭ જેટલા બોન્ડેડ તબીબોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાને અસર થવાની હજુ સુધી એકપણ ફરિયાદ મળી નથી.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા


