ચીનમાં શબોના અંતિમ સંસ્કાર માટે કલાકો રાહ જોવી પડે છે
ડાયાબીટીસ હૃદય રોગ કે અન્ય રોગોના કોરોના ગ્રસ્તોને કોરોનાથી મૃત્યુ નથી બતાવતું.
બીજીંગ (ચીન) તા.24 : ચીનમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. સંક્રમણે કહેર મચાવ્યો છે. એક બાજુ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર કરવાની જગ્યા નથી, શબોના અંતિમ સંસ્કાર માટે કલાકો રાહ જોવી પડે છે, આ બધાની વચ્ચે ચીન જે કોરોનાના કેસ અને મૃત્યુ પામનારાના આંકડા બતાવે છે તે ખૂબ જ ઓછા છે. જેની પાછળનું કારણ એ બહાર આવ્યું છે કે ચીન માત્ર કોરોનાથી મૃત્યુ પામેલાને મૃત્યુ ગણાવે છે, 
પરંતુ ડાયાબીટીસ હૃદય રોગ કે અન્ય રોગોના કોરોના ગ્રસ્તોને કોરોનાથી મૃત્યુ નથી બતાવતું. ચીન તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ 23 ડિસેમ્બર 2022ના રોજ કોરોનાથી એક પણ મોત નથી થયું. આ જ દિવસે માત્ર 4128 નવા કેસ બહાર આવ્યા હતા. કોરોનાના કેસમાં સતત વૃદ્ધિ વચ્ચે ચીને મૃત્યુના કેસને ગણવાની રીત બતાવી છે. કોરોનાના આંકડા છુપાવવામાં શરૂઆતથી જ ચીનની ટિકા થઈ રહી છે.
સંક્રામક રોગ ચિકિત્સક વાંગ ગુઈકિયાંગે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના નવીનતમ દિશા નિર્દેશ અનુસાર માત્ર શ્વાસની બીમારી અને ન્યુમોનિયાથી થતાં મોતને ગણાવવામાં આવે છે, તેમણે જણાવ્યું હતું કે જે લોકોના મૃત્યુ બીજી બીમારી કે અન્ય કારણે જેમકે હૃદયરોગ. આવા દર્દીને કોરોનાથી મોતના રૂપમાં નથી ગણવામાં આવતા, પછી ભલે તે કોરોનાગ્રસ્ત હોય.
વિશ્વ આરોગ્ય સંગઠનના ઈમર્જન્સી પ્રમુખ માઈકલ રેયાને જણાવ્યું હતું કે મૃત્યુને લઈને ચીનની આ વ્યાખ્યા સંકુચીત છે, આ રીત વિશ્વ આરોગ્ય સંગઠનની ગાઈડ લાઈન અનુસાર પણ નથી. ચીને કોરોનાથી મોતની પુષ્ટિના જે નિયમો બનાવ્યા છે તે સખ્ત છે. દર્દીના મોત બાદ દર્દીના ફેફસામાં કોરોના વાયરસના કારણે નુકસાનની પુષ્ટિ થવી જરૂરી છે. મોત બાદ દર્દીના શબને છુપાવવાના ચકકરમાં તેના ફેફસા અને શ્વસન તંત્રની તપાસ નથી થઈ શકતી અને પુરાવાના અભાવે અને સરકારી દબાણના કારણે ડોકટરો પણ આ મોતને સામાન્ય બતાવી રહ્યા છે.


