ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો પ્રવાસ રદ થવાથી અકળાયેલા પાકિસ્તાને ખુબ શાબ્દિક ઝેર ઓક્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને પૂર્વ કોમેન્ટેટર રમિઝ રાજા પણ પોતાના નિવેદનોથી ચર્ચામાં આવ્યા હતા. હવે રમિઝ રાજાએ એક વધુ નિવેદન આપ્યું છે જે ચર્ચાના ચગડોળે છે. આ નિવેદન તેમણે ભારત વિશે આપ્યું છે.પીસીબી ચીફે આંતરપ્રાંતીય કોઓર્ડિનેશન પર સેનેટની સ્થાયી સમિતિ સાથે બેઠકમાં કઈક એવું કહ્યું કે જેને પચાવવું હવે પાકિસ્તાનીઓ માટે મુશ્કેલ બની જશે. પરંતુ આ જ સચ્ચાઈ છે.
રમિઝ રાજાએ બેઠકમાં એ વાત પર ભાર મૂક્યો કે પીસીબીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ફંડિંગ કરતા આર્ત્મનિભર થવાની જરૂર વધુ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ પચાસ ટકા આઈસીસીના ફંડિંગથી જ ચાલે છે. જ્યારે આઈસીસીને 90 ટકા ફંડિંગ ભારતથી આવે છે. મને ડર છે કે જાે ભારત આઈસીસીને ફંડિંગ કરવાનું બંધ કરી દેશે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે. એટલે કે એક પ્રકારે રમિઝ રાજાએ સ્પષ્ટ કરી દીધુ છે કે ભારત ન હોય તો પાકિસ્તાન રસ્તે આવી જશે.
આ પણ વાંચો – T20 વર્લ્ડ કપ બાદ રોહીત શર્માને ટીમ ઈન્ડીયાની કેપ્ટનશીપ મળી શકે છે – અગાઉ કોહલીએ કપ્તાની છોડવાની કરી હતી જાહેરાત !
પીસીબી ચીફે કહ્યું કે પીસીબી આઈસીસીને ઝીરો ટકા ફંડિંગ કરે છે. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છું. એક રોકાણકારનું એવું પણ કહેવું છે કે જાે પાકિસ્તાન આવનારી ટી20 વિશ્વકપ મેચમાં ભારતને હરાવે તો પીસીબી માટે એક બ્લેંક ચેક તૈયાર મળશે. રમિઝ રાજાએ કહ્યું કે જાે પીસીબી આર્થિક રીતે મજબૂત હોત તો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો પાકિસ્તાન ટુરને આમ રદ ન કરત.
રમિઝ રાજાએ કહ્યું કે જાે આપણી ક્રિકેટ ઈકોનોમી મજબૂત હોત તો આપણો ઉપયોગ ન થયો હોત અને ન તો ન્યૂઝીલેન્ડ કે ઈંગ્લેન્ડ જેવી ટીમો આપણી સાથે આવી હરકત કરી શકત. તેમણે કહ્યું કે બેસ્ટ ક્રિકેટ ટીમ બનવું અને બેસ્ટ ક્રિકેટની ઈકોનોમી ઊભી કરવી, બે અલગ અલગ વસ્તુ છે. આ અગાઉ રમિઝ રાજાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં ટી20 વર્લ્ડ કપમાં આપણા નિશાના પર માત્ર ભારત જ હતું પરંતુ હવે અમારા નિશાના પર બીજી બે ટીમ આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પ્રવાસ રદ કરીને સારું નથી કર્યું. અમે તેનો બદલો મેદાન પર લઈશું.
(એજન્સી)