ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મૈત્રીકરારમાં રહેતી યુવતીનું તેના જ માતા-પિતા દ્વારા માર મારીને યુવકના ઘરેથી અપહરણ કરી જતાં હોબાળો મચી ગયો. યુવકની ફરિયાદને આધારે ઉનાવા પોલીસે યુવતીના માતા-પિતા અને 2 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
રાજસ્થાનનો અને હાલ ઉનાવા ખાતે સર્વોદય હાઇસ્કૂલ પાછળ રબારીના નેહડામાં રહેતો ક્રિષ્ના સુજાતભાઈ ઠાકોર (20)ની કેટલાક સમય પૂર્વે પાટણ ખાતે રહેતા અભુજી ઠાકોરની દીકરી પૂજા સાથે લગ્નની વાતચીત ચાલતી હતી. પરંતુ સામાજિક રીતે મનમેળ ન આવ્યો હતો. બીજી તરફ પૂજા અને ક્રિષ્ના એકબીજાને પસંદ કરતા હોઇ પૂજા લગ્ન કરી ક્રિષ્ના સાથે જ રહેવા માગતી હતી. પરંતુ ક્રિષ્નાની ઉંમર 21 વર્ષ ન થતી હોય જ્યાં સુધી તેની ઉંમર 21 વર્ષની ન થાય ત્યાં સુધી બંને જણે સંમતીથી મૈત્રીકરાર કર્યો હતો અને ત્યાર બાદ પૂજા ઉનાવા ક્રિશ્નાના ઘરે રહેવા આવી હતી.
2 દિવસ પૂર્વે ક્રિષ્ના તેની બહેન શર્મિલા અને પૂજા ત્રણે જણા ઘરે હતા, ત્યારે પૂજાના પિતા ઠાકોર અભુજી તેની મમ્મી ચંદ્રિકાબેન અને એક અજાણ્યો માણસ પૂજાને સાથે ચાલવાનું કહેતાં તેણીએ ના પાડતાં ઢસડીને લઈ જતા હતા, ત્યારે ક્રિષ્ના વચ્ચે પડતાં તેને માર માર્યો હતો અને પૂજાને કારમાં બેસાડી લઈને જતા રહ્યા. આ અંગે ક્રિષ્ના ઠાકોરે પાટણ શહેરમાં મીરા દરવાજા સ્થિત હર્ષ સોસાયટીમાં રહેતા ઠાકોર અભુજી ચતુરજી, ઠાકોર ચંદ્રિકાબેન અભુજી, અજાણ્યો માણસ તેમજ ઇકોચાલક સહિત ચારેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.


