વોર્ડ નં. 3ના બિલાડી બાગ વિસ્તારમાં બનાવાયેલા મિનરલ વોટર પ્લાન્ટ હજુ શરુ કરાયો નથી
ટુંક દિવસમાં વોર્ડ નં. 3ના રહીશો માટે મિનરલ પાણીની સુવિધા શરુ કરાશે – નગરસેવક દિપક પટેલ
ગરવી તાકાત, મહેસાણા તા. 26- મહેસાણાના નાગરીકોને મિનરલ વોટર પ્લાન્ટની સસ્તા દરે સુવિધા મળી રહે તે માટે મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં મહેસાણા નગરપાલિકા દ્વારા મિનરલ વોટર પ્લાન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી જે તે વિસ્તારના રહીશોને ઠંડુ અને મિડીયમ મિનરલ પાણીની સવલત પુરી પાડી શકાય પરંતુ વોર્ડ નં. 3માં બનાવાયેલો મિનરલ વોટર પ્લાન્ટ શરુ ન કરવા બાબતે આ વિસ્તારના કોર્પોરેટરને પુછતાં તેઓએ ટુંક દિવસોમાં શરુ કરાશે તેમ જણાવ્યું હતું. 
મહેસાણા નગરપાલિકાના સહયોગથી મિનરલ વોટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. વોર્ડ નં. 3માં બનાવાયેલો આ મિનરલ વોટર પ્લાન્ટ સ્થાનિક રહીશોને નજીવા દરે મિનરલ પાણીની સુવિધા મળી રહે તે હેતુથી શહેરમાં આ સાતમાં વોટર પ્લાન્ટ બનાવાયો છે. પરંતુ કેટલાક કારણોસર આ પ્લાન્ટ બનાવી તો દેવામાં આવ્યોં પરંતુ હજું સુધી ચાલુ કરવામાં આવ્યોં નથી. જેને લઇને આ વિસ્તારની પ્રજા મિનરલ પાણીનો આ પ્લાન્ટ ક્યારે શરુ થાય તેની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે જેથી કરીને સસ્તાદરે મિનરલ પાણીની આ વિસ્તારની પ્રજાને સુવિધા મળી રહે ત્યારે આ બાબતે વોર્ડ નં. 3ના મ્યુનિસિપલ કોર્પેરેટર દિપકભાઇ પટેલને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે આ મિનરલ વોટર પ્લાન્ટ આગામી ટુંક દિવસોમાં શરુ કરવામાં આવશે જેથી આ વિસ્તારની પ્રજાને મિનરલ પાણીની સુવિધા મળી રહે ત્યારે વહેલામાં વહેલી તકે પાણીનો આ પ્લાન્ટ શરુ કરવામાં આવે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.


