ગરવી તાકાત, મહેસાણા તા. 11 – પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ રીતે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. જેમાં ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું જોઈએ. તે સિવાય પવિત્ર શ્રાવણ માસમાં કોઈ બ્રાહ્મણ પાસે રુદ્રાભિષેક કરાવી શકાય છે. આ બધામાં સૌથી શ્રેષ્ઠ બિલિપત્ર ભગવાન શિવને પ્રિય હોય છે. બિલિપત્રનું ઘણું જ મહત્વ રહેલું છે. શ્રાવણ માસમાં બિલિપત્ર શિવજીને ચડાવવું ખૂબ સારું મનાય છે. ત્યારે આવો આજે આપણે માનુકવાના દિપેશ મહારાજ પાસેથી બિલિપત્રના મહત્વ વિશે જાણીએ.
બિલિપત્રના ઉત્પતિ વિશે જ્યારે દિપેશ મહારાજને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, બિલિપત્રના વૃક્ષની ઉત્પતિ ભગવતી લક્ષ્મીજીના શરીરમાંથી થયેલી છે. શાસ્ત્રોમાં, શિવ પુરાણોમાં, લિંગ પુરાણ જેવા ગ્રંથોમાં બિલિપત્રનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે. કહેવાય છે કે, બિલિપત્રના વૃક્ષ નીચે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો, તેનું અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેમાં વૃક્ષ નીચે પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવે કે, બિલિપત્રના વૃક્ષ પાસે દીવો પ્રગટાવવામાં આવે તો તે, ખૂબ ઉત્તમ મનાય છે. તેવી જ રીતે બિલિપત્રના વૃક્ષની પ્રદક્ષિણા કરવાનો પણ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે. આ પ્રદક્ષિણા કરવાથી બધા જ તીર્થની પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય મળે છે.
શાસ્ત્રોમાં અમુક દિવસો એવા બતાવવામાં આવ્યા છે. જેમાં બિલ્વપત્ર તોડવાની મનાઈ દર્શાવી છે. આઠમ, નોમ, અમાસ કે સોમવાર આ દિવસોમાં બિલિપત્ર તોડી શકાય નહીં. જો આ દિવસોમાં બિલિપત્ર ચડાવવું હોય તો, ચડાવેલું કોઈ બિલિપત્ર લઈ તેને ધોઈને પાછું ચડાવી શકાય છે. પરંતુ, તોડી શકાતું નથી. જ્યારે આપણે બિલિપત્ર તોડીએ છીએ તે પહેલા વૃક્ષની પ્રાર્થના કરવાની હોય છે. ત્યારબાદ તોડી શકાય છે. તેને ત્રણની સંખ્યામાં તોડવું જોઈએ. જો કોઈ આખી ડાળી તોડે તો શાસ્ત્રો અનુસાર તે પાપ બતાવવામાં આવ્યું છે. ભગવાન મહાદેવને બિલિપત્ર સૌથી પ્રિય છે. તેથી ઘણા અભિષેકોથી શિવજીની પૂજા કરી શકાય છે. પરંતુ, બિલિપત્રથી થઈ પૂજા ખૂબ ઉત્તમ મનાય છે.


