કચ્છમાં પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમા મા ઉમિયાના સૌ પ્રથમ મંદિરને 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવાયો
ગરવી તાકાત, તા. 29- કચ્છમાં પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન મા ઉમિયાના સૌ પ્રથમ મંદિરને 75 વર્ષ પૂર્ણ થવા અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો. અશ્વો અને હાથી સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સંસ્કારધામથી બે કિલોમીટર લાંબી શોભાયાત્રામાં 75 ફૂટની ધજા સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.. મહોત્સવ દરમિયાન વાંઢાયની ધરા પર પ્રથમ વખત સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં યુવાનોને ધર્મ પ્રત્ય જાગૃત કરવા માટે ધર્મ જાગરણ સમારોહ, સંતસભા સમાજ જાગરણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં અગ્રણીઓ અને સંતોએ યુવાનોને વ્યસન મુક્તિ, ફેશનનો ત્યાગ, શાસ્ત્ર અને શસ્ત્રોનું જ્ઞાન મેળવવા સૂચન કર્યું હતું. 30 માર્ચ સુધી ચાલનાર આ મહોત્સવમાં મોટી સંખ્યમાં કચ્છ સહિત રાજ્યભરમાંથી ભક્તો આવશે.
સંતોની તપોભૂમિ વાંઢાયમાં વિક્રમ સંવત 2000માં કુળદેવી મા ઉમિયાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. સંતોની પ્રેરણાથી અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના પુરુષાર્થથી કચ્છમાં સાકારિત થયેલ મા ઉમિયાનું આ સૌ પ્રથમ મંદિર છે, જે આજે જ્ઞાતિજનોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. દર વર્ષે હજારો યાત્રાળુઓમાં ઉમિયાના દર્શન કરી ધન્ય બને છે. મા ઉમિયાના મંદિરને 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યું છે.
ઉમિયા માતાજી મંદિરને 75 વર્ષ પૂર્ણ થતાં સવારે અશ્વો-હાથી સહિતની વિશાળ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. સંસ્કારધામથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. લગભગ બે કિ.મી. લાંબી આ રવાડીમાં ખેડોઈ વિસ્તારના ઉમિયા ભક્તો 75 ફૂટની ધજા સાથે જોડાયા હતા. આ મહોત્સવ દરમિયાન વાંઢાયની ધરા પર પ્રથમ વખત સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સહસ્ત્રચંડી યજ્ઞની દેહશુદ્ધિ સાથે યજ્ઞશાળાને ખુલ્લી મુકાઈ હતી. મંત્રોચ્ચાર અને આહુતિઓથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.


