બુકી બજારમાં છેવટ સુધી ભાજપને એકલા હાથે 300થી વધુ બેઠકો મળવા પર દાવ લાગ્યા હતા સટ્ટાબજાર
કોંગ્રેસને એકલા હાથે 65થી વધુ બેઠકો નહીં મળવાના દાવ પણ ઉંધા પડયા
ગરવી તાકાત, તા. 04 – દેશમાં લોકસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોથી ન માત્ર શેરબજાર પરંતુ બુકી બજારમાં પણ સોંપો પડી ગયો છે. ભાજપની જંગી બહુમતી, એનડીએ સરકારને 400થી વધુ બેઠકો પર લાખો પંટરોએ બુકીઓ પાસે કરોડો રૂપિયાના દાવ લગાવ્યા હતા. પરંતુ આજે પરિણામમાં મોટી ઉથલપાથલ થઇ જતા પંટરો ધોવાઇ ગયા છે અને બુકીઓ અબજો રૂપિયા કમાયાની બજારમાં વાત આવી રહી છે. ભાજપને એકલા હાથે 300 સીટ મળી જવાના અંદાજ મજબુત બનાવાયા હતા. શનિવારે આવેલા એકઝીટ પોલમાં પણ એનડીએને 400 સુધી બેઠક આપવામાં આવતી હતી. પરંતુ આજે બપોર સુધી એનડીએ સરકાર 300 બેઠક સુધી પણ માંડ માંડ પહોંચતી દેખાઇ હતી. તો સામે કોંગ્રેસ સહિતનું ઇન્ડિયા ગઠબંધન મજબુત થયું છે અને ચૂંટણીના આ પરિણામો પંટરોને નહીં પરંતુ બુકીઓને ફળ્યા છે.

લોકસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી બુકી બજારમાં ભાવ ખુલવા લાગ્યા હતા. ભાજપના સુત્ર ‘અબ કી બાર 400 કે પાર’ પૂરા દેશમાં ફેલાઇ ગયું હતું. પરંતુ મતદાનના સાત તબકકા પૂરા થયા ત્યાં સુધીમાં સર્જાયેલા અનેક સંજોગો, નવા કારણો, શાસકો અને વિપક્ષ વચ્ચેની બિન તંદુરસ્ત દુશ્મનાવટ, રાજકારણનું સ્તર વધુ નીચે ઉતરતું જોતા મતદારો મનમાં ને મનમાં દુ:ખી લાગતા હતા. ભાજપ સરકાર દ્વારા યોજનાઓના પ્રચાર, લાભોની વાત, અવનવી ગેરંટીના વરસાદ ચાલુ હતા. તો કોંગ્રેસે પણ સત્તાધારી સરકાર પર હિટલર શાહીના આરોપ મુકવા સાથે ઇડી જેવી એજન્સીના દુરૂપયોગના મુદ્દા લોકો સુધી પહોંચાડયા હતા. તે દરમ્યાન આજે આવેલા પરિણામથી ભાજપ પર વિશ્વાસ રાખનારા લાખો પંટરોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
બુકી બજારમાં ભાજપને એકલા હાથે 300થી વધુ બેઠકો પર પણ મોટો સટ્ટો લાગ્યો હતો. એનડીએને 3પ0થી વધુ બેઠકો પર પણ દાવ લગાવવામાં આવ્યા હતા. આ તમામ ગણતરી ઉંધી પડી છે. કોંગ્રેસને 65થી વધુ બેઠક નહીં આવે તેવી ધારણા પર પણ મોટો સટ્ટો લગાવવામાં આવ્યો હતો. આ ત્રણે આગાહી પર દાવ લગાવીને રૂપિયા રોકનારાને મોટા નુકસાન થઇ ગયા છે. પૂરા દેશમાં આ સટ્ટામાં બેટીંગ લેનાર બુકીઓને બખ્ખા થઇ ગયા છે અને અબજો રૂપિયાનો ફાયદો થયાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. દેશમાં વીઆઇપી ઉમેદવારોની બેઠકો પર પણ દાવ લાગતા હતા. અયોધ્યા, દિલ્હી જેવી પ્રતિષ્ઠિત બેઠક ઉપર પણ ખુબ સટ્ટો ખેલવામાં આવ્યો હતો. જુદા જુદા રાજયોમાં આવી ક્રિમ બેઠકો ઉપર મોટો સટ્ટો રમાતો રહ્યો હતો.
ઉત્તરપ્રદેશમાં ભાજપના કલીનસ્વીપ પર મોટા દાવ લગાવવામાં આવ્યા હતા. પરંતુ યુપીમાં મોટુ ધોવાણ થતા પંટરો આઘાતમાં પડી ગયા છે. ગુજરાત અને રાજસ્થાનમાં પણ અબજો રૂપિયાના સટ્ટા લાગ્યાનું બહાર આવ્યું હતું. મોટા ભાગના પંટરોએ ભાજપ અને એનડીએને પ્રચંડ બહુમતી મળવાની ધારણા રાખી હતી. કોંગ્રેસે નોંધપાત્ર દેખાવ કરતા તે પણ પંટરોને મોંઘુ પડયું છે. આજે બપોર સુધી બુકી બજારમાં ચાલુ મત ગણતરીએ પણ ભાજપને એકલા હાથે 248થી 253 બેઠકો મળવા પર સટ્ટો ચાલુ રહ્યો હતો તો એકંદરે પાર્ટીને સીટ, વ્યકિતગત બેઠકો સહિત અનેક મુદ્દા પર અત્યાર સુધીનો સૌથી મોટો સટ્ટો રમાયો હતો તેવું બજારના પંટરો કહી રહ્યા છે.


