ગરવી તાકાત પાટણ : પાટણમાં નર્મદા કેનાલમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સમી તાલુકાના બિસમિલાબાદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં આજે સવારે અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેની જાણ આસપાસના લોકોને થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તંત્રને આ અંગે જાણ કરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સમી તાલુકાના અમરાપુર બ્રાન્ચ કેનાલમાંથી બિસમિલાબાદ તરફ જતી માઈનોર બ્રાન્ચ કેનાલમાં અજાણ્યા યુવકની લાશ જોવા મળી હતી.
જેને લઈ આસપાસથી પસાર થતાં વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયાં હતા. લાશને બહાર કાઢી આ અંગે પોલીસ અને તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ અજાણ્યો યુવાન કોણ છે? આ યુવકની હત્યા છે કે આત્મહત્યા, તે તપાસ દરમિયાન જ બહાર આવશે. હાલ તેની ઓળખ પણ થઈ નથી. સમી પોલીસે આ યુવકને લઈ તપાસ કરી રહી છે.
તસવિર અને આહેવાલ : પરમાર ભુરાભાઈ — સરસ્વતી પાટણ


