આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી
ખુલ્લી જીપમાં સવાર થઈ પરેડનું નિરીક્ષણ કરીને નાગરિકોનું અભિવાદન ઝીલતા મંત્રીશ્રી
હરઘર તિરંગા જેવા અભિયાનથી નેશન ફર્સ્ટની ભાવના જનજનમાં પ્રબળ બની

ગરવી તાકાત, મહેસાણા તા. 16 – મહેસાણા જિલ્લામાં વિજાપુર, હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને 78મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ખુલ્લી જીપમાં સવાર થઈને મંત્રીશ્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યુ હતું.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે 78મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, વીર સાવરકર જેવા અસંખ્ય વીરો અને વીરાંગનાઓએ બલિદાન આપ્યા છે. ભગતસિંહ, સુખદેવ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ સહિત કેટલાય યુવાનોએ હસતા હસતા શહીદી વ્હોરી હતી. આવા અનેક સપૂતોના બલિદાનના પરિણામે 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને સદીઓ બાદ સ્વતંત્રતાનું સ્વપ્ન સાકાર થયું.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જન જનને જોડવાનો ઉપક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આઝાદીકા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી, મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાનથી નેશન ફર્સ્ટની ભાવના જનજનમાં પ્રબળ બની છે. આઠમી ઓગસ્ટથી શરૂ થયેલા હરઘર તિરંગા અભિયાનમાં રાજ્યના કરોડો નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશભાવના પ્રબળ કરી છે.
આ કાર્યક્રમમાં વિજાપુર તાલુકાના વિકાસ માટે મંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 25 લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીશ્રીઓ, અંગદાન કરનારના પરિવારજનોને તેમજ પોલીસ કર્મીઓને મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. 78 માં સ્વાતંત્ર પર્વના આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને સાંસ્કૃતિક જૂથો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.


