ગરવી તાકાત થરાદ : બનાસકાંઠા જીલ્લામાંથી પસાર થતો થરાદ સાંચોર નેશનલ હાઇવે મગરપીઠ જેવો બનવા લાગ્યો છે. અહીંથી જો પુરપાટ રીતે વાહન લઇને કોઇ નીકળે તો ચોક્કસપણે અકસ્માત સર્જાઇ તેવી સ્થિતી બનેલી છે. કારણકે અહીંના હાઇવેમાં ખાડા શોધવા સહેલા છે અને રોડ શોધવો મુશ્કેલ છે બનાસકાંઠાના થરાદમાં વરસાદ બાદ ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે થરાદ સાંચોર હાઇવે પર મોતના ખાડાઓમાં પસાર થવું મુશ્કેલ બની ગયું છે જેના કારણે વાહનચાલકોની સ્થિતિ ઘણી કફોડી બનીછે. ખાડાગ્રસ્ત રસ્તા પર વાહનચાલકોને વાહન લઈને નીકળવુ એ કોઈ પરાક્રમથી ઓછુ નથી.
રોડ પર જ્યા જુઓ ત્યા ખાડા જોવા મળે છે આથી એ નક્કી કરવુ મુશ્કેલ બની જાય છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે. જેમા ખાસ કરીને રાજસ્થાન ને જોડતો સાંચોર હાઈવે હોય કે પછી બુઠનપુરથી પીલુડા સુધીનો સર્વિસ રોડ હોય તમામ જગ્યાએ રોડ પર ખાડાઓને કારણે સંપૂર્ણપણે બિસ્માર બની ચુક્યા છે.થરાદ થઈને રાજસ્થાન, હરિયાણા અને પંજાબ તરફ જતા હાઈવે પર ઠેરઠેર ખાડાઓને કારણે વાહનોને મોટા પાયે નુકસાન થઈ રહ્યુ છે. ખાડાઓને કારણે લોકોને પારવાર હાલાકી વેઠવી પડે છે,
અકસ્માતોનુ પ્રમાણ પણ વધ્યુ છે. તંત્ર તાત્કાલિક હાઈવે પરના ખાડાઓનું સમારકામ કરે તેવી વારંવાર માગ ઉઠી રહી છે પરંતુ કુંભકર્ણ નીંદ્રામાં પોઢેલા તંત્રની આંખ ખૂલતી નથી, વાહનચાલકોની સમસ્યાની તંત્રને જાણે કંઈ પડી ન હોય તેમ તેમના બહેરા કાને આ રજૂઆતોની કોઈ અસર થતી નથી. થોડા સમય અગાઉ ભારતમાલા અંતર્ગત બનાવેલ રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયો જે રોડની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની સાબિતી આપે છે, ત્યારે સ્થાનિક લોકો આને વાહનચાલકો વારેઘડીએ સરકારને રજૂઆત કરે છે ત્યારે તેમની વાતને કોઈ ધ્યાનમાં લેતું નથી પરંતુુ તંત્રની આ ભ્રષ્ટ નીતિના પાપે મરો જનતાનો થઈ રહ્યો છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ