સુપર-12 ગ્રુપ-2ની મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને આઠ વિકેટથી હરાવ્યું છે. આ હાર સાથે ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા. પાકિસ્તાન બાદ સતત બીજી મેચમાં ભારતીય બેટ્સમેનોએ અત્યંત નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. રાહુલ 18 રન, ઈશાન 4 રન, રોહિત 14 રન, કોહલી 9 રન, પંત 12 રન, હાર્દિક 23 રન, શાર્દુલ માત્ર શૂન્ય રન બનાવી શક્યો હતો. જાડેજા 26 રને અણનમ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ ઈશ સોઢીને બે વિકેટ મળી હતી. સાઉદી અને મિલ્નેએ એક-એક વિકેટ લીધી હતી.
111 રનના સાધારણ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 14.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ડેરીલ મિશેલે 49 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસન 31 બોલમાં 33 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતીય કેપ્ટન કોહલીનો કેપ્ટન તરીકે આ છેલ્લો T20 વર્લ્ડ કપ છે. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી એક પણ આઈસીસી ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો નથી.સતત બે પરાજય સાથે ભારતીય ટીમ ભારતીય ગ્રુપ 2માં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને પાકિસ્તાને 10 વિકેટે હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. પાકિસ્તાન પ્રથમ અને અફઘાનિસ્તાન બીજા ક્રમે છે.
2007 T20 વર્લ્ડ કપથી આ મેચ સુધી બંને દેશો વચ્ચે 8 મેચ રમાઈ છે જેમાં ન્યૂઝીલેન્ડે 7 મેચ જીતી હતી. જ્યારે વરસાદના કારણે એક મેચ રમાઈ શકી ન હતી.