કેટલાંક દિવસો કાતિલ ઠંડીના સપાટા બાદ છેલ્લા ચાર-પાંચ દિવસ તાપમાનમાં વધારો
લાંબા ગાળાની સરેરાશ ચકાસવામાં આવે તો વર્તમાન તાપમાન નોર્મલ છે
ગરવી તાકાત, મહેસાણા તા. 07 – કેટલાંક દિવસો કાતિલ ઠંડીના સપાટા બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી ઉનાળાનાં પગરણ થઈ રહ્યાનું હવામાન સર્જાયુ છે. ગત વર્ષની સરખામણી કરવામાં આવે ફેબ્રુઆરી 2022 નાં પ્રથમ સપ્તાહનું સરેરાશ મહતમ તાપમાન 29 ડીગ્રી તથા ન્યુનતમ ઉષ્ણતામાન 13.6 ડીગ્રી હતું તે આ વખતે મહતમ તાપમાન 30.4 ડીગ્રી થયુ છે.રવિવારે તો 23 ડીગ્રીને પણ પાર થયુ હતું. છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજયનાં અનેક ભાગોમાં મહતમ તાપમાન 30 ડીગ્રીથી વધુ થયુ છે. 
હવામાન વિભાગનાં ગુજરાતના વડા મનોરમા મોહંતીએ કહ્યું કે લાંબા ગાળાની સરેરાશ ચકાસવામાં આવે તો વર્તમાન તાપમાન નોર્મલ છે. આવતા પાંચ દિવસ કોઈ બદલાવ જણાતો નથી. જોકે ફરી વખત તાપમાન નહી ઘટવાનું કે હવે ઠંડી નહી પડવાનું કહેવુ ઘણુ વ્હેલુ ગણાશે. હવામાન વિભાગનાં સુત્રોએ કહ્યું કે સામાન્ય રીતે મધ્ય ફેબ્રુઆરીથી તાપમાનમાં ધીમો વધારો શરૂ થયો હોય છે પરંતુ આ વખતે તે વ્હેલુ વધવા લાગ્યુ છે. નવેમ્બર, ડીસેમ્બર તથા જાન્યુઆરીનાં તાપમાનનું વિશ્લેષણ કરવામાં આવે તો, 16 ડીસેમ્બર સુધી તાપમાન નોર્મલ કરતાં ઉંચુ રહેતુ હતું.
15 મી ડીસેમ્બરે ન્યુનતમ તાપમાન 20.5 ડીગ્રી હતું તે સરેરાશ કરતાં 7.2 ડીગ્રી વધુ હતું. અમદાવાદને લાગે વળગે છે ત્યાં સુધી પારો 10 ડીગ્રીથી પણ નીચે ઉતર્યો હતો. તેવુ પુરા પાંચ દિવસ પણ બન્યુ નથી. કોલ્ડવેવની સંખ્યા પણ ઓછી માલુમ પડી છે. ગુજરાતમાં સોમવારે સૌથી ઉંચુ 33.2 ડીગ્રી તાપમાન ભાવનગરનાં મહુવામાં નોંધાયું હતું. પાટનગર ગાંધીનગરમાં 32.5 ડીગ્રી વડોદરામાં 30.2 ડીગ્રી હતું. રાજયમાં ન્યુનતમ તાપમાન સર્વત્ર 13 ડીગ્રીથી વધુ હતું.એકમાત્ર ગાંધીનગરમાં 11.4 ડીગ્રી નોંધાયુ હતું.


