ગરવી તાકાત ગાંધીનગર,તા.5 – ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી જ ધમાકેદાર રહી હતી. અનેક જળાશયો અને નદી નાળા છલકાઇ ગયા હતા. જેના પગલે રાહત કમિશ્નર આલોક કુમાર પાંડેયની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગેની સમીક્ષા કરી રાહત કમિશ્નર દ્વારા તમામ વિભાગો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, 7 અને 8 જુલાઈના રોજ સૌથી વધારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં 7મીએ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકે છે. આ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે.

જે બાદ 8મી જુલાઈના રોજ ઉત્તર ગુજરાત તથા ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન કચ્છમાં પણ ભારેથી અતિ ભારે અને અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ગુજરાત પાસે સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જેના કારણે અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

પાંચ દિવસ માટે રાજ્યમાં વરસાદને લઈને વોર્નિંગ આપવામાં આવી છે. પાંચ દિવસ માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે જેમાં માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદરના માછીમારોને તથા મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે. આ વોર્નિંગ તારીખ 7, 8 અને 9 જુલાઈ માટે અપાઈ છે.

અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આજે તથા આવતીકાલ એમ બે દિવસ વરસાદની શક્યતા નથી પરંતુ 7 અને 8 તારીખ દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ગુજરાતમાં પાછલા અઠવાડિયે થયેલા ભારે વરસાદના કારણે સ્થિતિ પાટા પર આવી રહી છે ત્યાં ફરી એકવાર તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હાલના સમય સુધીમાં રાજ્યમાં સિઝનનો જે વરસાદ થવો જોઈએ તેનાથી વધુ વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો જે વરસાદ થવો જોઈએ તેના કરતા 65 ટકા વધુ વરસાદ થયો છે. જ્યારે બાકીના ભાગોમાં પણ સિઝનનો અત્યાર સુધીનો જે વરસાદ થવો જોઈએ તેના કરતા 20 ટકા જેટલો વધુ વરસાદ થઈ ગયો છે.
આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 07 જુલાઇથી 09 જુલાઇ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંજ રાજ્યના 206 જળાશયો પૈકી 23 જળાશયો હાલ હાઇ એલર્ટ પર છે. 15 સ્થળ એલર્ટ પર છે અને 10 વોર્નિંગ લેવલ પર છે. આ બેઠકમાં સરદાર સરોવર નિગમ લિમિટેડના અધિકારી દ્વારા સરદાર સરોવર ડેમની પરિસ્થિતિની માહિતી આપવામાં આવી હતી.
NDRF તથા SDRF ના અધિકારીઓના અનુસાર ચોમાસામાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે ડીપ્લોયમેન્ટ અંગેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ ટીમો એલર્ટ મોડ પર છે. આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, GMb, પંચાયત, કોસ્ટગાર્ડ, ઇસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુડીડી, પશુપાલન અને માહિતી વિભાગના નોડેલ અધિકારીઓ હાજર રહ્યા હતા.


