શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન ભાદરવી પૂનમ મહામેળો

September 26, 2026

ગૃહરાજ્યમંત્રી અને પોલીસ બેડે ધ્વજારોહણ કર્યું, કલેક્ટર સહિત વહીવટી તંત્રની ત્રિશુલિયા ઘાટીથી નીકળેલી પદયાત્રા બની મુખ્ય આકર્ષણ

ગરવી તાકાત ઃ 26-9-2026

૭ દિવસમાં ૪૩ લાખથી વધુ માઇભક્તો જગતજનની મા અંબાના ચરણે નતમસ્તક: ભંડારામાં ૨.૧૬ કરોડથી વધુની માતબર આવક

અંતિમ દિવસે અજ્ઞાત ભાવિકે માતાજીને સવા બે લાખથી વધુની કિંમતનો સોનાનો હાર અર્પણ કર્યો; ૩૨ લાખથી વધારે મોહનથાળ પ્રસાદ પેકેટનું વિતરણ

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ની આજે પૂર્ણિમાના પાવન અવસરે ભાવપૂર્ણ માહોલમાં પૂર્ણાહુતિ થઈ છે. સમગ્ર મેળાદરમિયાન ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ઉમટેલા માઇભક્તોએ જગતજનની મા અંબાના દર્શન કરી તેમના ચરણોમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી. અંતિમ દિવસ હોવાથી વહેલી સવારથી જ અંબાજીના નિજ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર મંદિર પરિસરથી લઈને માર્ગો પર ભક્તિનો અનેરો ઉત્સાહ છવાયો હતો. ભક્તો માથે ગરબો ધારણ કરીને ઝૂમતા નજરે પડ્યા હતા અને દર્શન માટે કલાકો સુધી લાંબી કતારો લાગી હતી. આ પાવન દિવસે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાથમાં પવિત્ર ધજા લઈ મંદિરે પહોંચી પોલીસ વિભાગ સાથે માતાજીના શિખરે ધ્વજારોહણ કર્યું હતું.

 

 

 

આ વર્ષે ભાદરવી મહામેળામાં દર્શનાર્થીઓની સંખ્યામાં અગાઉના તમામ રેકોર્ડ તૂટ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂઆતમાં ૪૦ લાખ જેટલા ભક્તો આવશે તેવી ધારણા રાખવામાં આવી હતી, પરંતુ તેના કરતાં પણ વધુ એટલે કે સાત દિવસના સમયગાળામાં કુલ ૪૩,૦૫,૩૯૧ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. એકલા સાતમા દિવસે જ ૪,૮૧,૯૨૨ જેટલા ભાવિકો મા અંબાના દ્વારે શીશ ટેકવવા પહોંચ્યા હતા. લાખો ભક્તોની સતત અવરજવરને કારણે અંબાજી નગરી અને તેના તમામ એપ્રોચ માર્ગો સતત ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના ગગનભેદી જયઘોષથી ગુંજતા રહ્યા હતા.

ભાદરવી પૂનમના ખાસ દિવસે મા અંબાના ચરણોમાં એક પરમ ભક્ત દ્વારા પોતાની ઓળખ છતી કર્યા વિના ગુપ્તદાન સ્વરૂપે સોનાનો અતિ કિંમતી હાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ ભેટ ધરેલા સોનાના હારનું વજન ૧૬.૫૦૦ ગ્રામ છે અને તેની બજાર કિંમત આશરે ૨,૨૭,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત ભક્તો દ્વારા છૂટા હાથે કરાયેલા દાનને કારણે મંદિરના ભંડાર કાઉન્ટર પર સાતેય દિવસ દરમિયાન કુલ ૨,૧૬,૪૪,૬૧૯ રૂપિયાની માતબર આવક નોંધાઈ છે, જેમાં ફક્ત મેળાના અંતિમ દિવસે જ ૩૩,૩૪,૧૦૪ રૂપિયાની આવક થઈ હતી. આ આંકડા દર્શાવે છે કે માતાજી પ્રત્યે ભક્તોની અસીમ શ્રદ્ધા અને સમર્પણ ભાવ કેવો અતુટ છે.

મેળા દરમિયાન ભક્તો માટે કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થાઓ પણ એટલી જ વિશાળ પાયે રહી હતી. સાત દિવસમાં શ્રદ્ધાળુઓને ૩૨ લાખથી પણ વધુ મોહનથાળ પ્રસાદના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે પૈકી છેલ્લા દિવસે જ ૩,૪૦,૬૮૦ પેકેટ ભક્તોને આપવામાં આવ્યા હતા. આ સાથે ૪,૯૩,૮૮૯ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ મેળવ્યો હતો અને ૪,૫૨૮ જેટલા ભક્તો તથા પગપાળા સંઘો દ્વારા વિધિવત્ ધજા ચડાવીને માતાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ વખતના ભાદરવી મહામેળામાં વહીવટી તંત્રની એક અનોખી પહેલ લોકોમાં ભારે પ્રશંસા પામી હતી. મેળાના છઠ્ઠા દિવસે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધજા સાથે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલની આગેવાનીમાં મેળાની વ્યવસ્થાઓમાં ખડેપગે રહેલા તમામ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ હાથમાં માતાજીની ધજાઓ સાથે ત્રિશુલિયા ઘાટીથી અંબાજી મંદિર સુધી પગપાળા પહોંચ્યા હતા. સતત ફરજ બજાવ્યા બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓ માતાજીના ગુણગાન ગાતા અને ઉત્સાહભેર દોડતા જોવા મળ્યા હતા. લાખો પદયાત્રીઓની વચ્ચે વહીવટી તંત્રની આ ભક્તિસભર પદયાત્રા સમગ્ર મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી અને લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે આદર અને સન્માનની લાગણી જન્માવી હતી.

 

 

 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0