— પાણી અને વાણી વિચારીને વાપરીશું તો ભવિષ્યની પેઢીના નિર્માણમાં સહભાગી થઇશું-સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ :
— ૧૭થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી તા. ૧૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડિયું ઉજવવાઇ રહ્યું છે. જે અંતર્ગત વડગનર ખાતે જળ વ્યવસ્થાપન અંતર્ગત સેમીનારનું આયોજન નવોદય વિધાલય વડનગર ખાતે કરવામાં આવ્યું હતું સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે પાણીનો દરેક નાગરિકે સંવેદનશીલ ઉપયોગ કરવો જરૂરી છે.
પાણી અને વાણી વિચારીને વાપરીશું તો ભવિષ્યની પેઢીના નિર્માણમાં સહભાગી થઇશું.તેમણે ઉમેર્યું હતું કે ત્રીજુ વિશ્વ યુધ્ધ પાણીને પગલે ન થાય તે માટે આગોતરા આયોજનના ભાગ રૂપે જળની મહત્તા સમજી તેના વ્યવસ્થાપન બાબતે અત્યારની વિચાર કરવા જણાવ્યું હતું સામાજિક અગ્રણી સોમાભાઇ મોદીએ જણાવ્યું હતું તે વડનગરમાં સયાજીરાવ ગાયકવાડે વોટર મેનેજમેન્ટ કર્યું હતું.
પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે જેનો સદઉપયોગ કરી ભવિષ્ય પેઢીને આપી શકીએ તેવું આયોજન કરવા અનુંરોધ કર્યો હતો વાસ્મોના સી.ઇ.ઓ આર.કે સામા (આઇ.એફ.એસ) જણાવ્યું હતું કે પાણીનો પડકાર ભવિષ્યમાં ન આવે તે માટે આપણે અત્યારથી તેનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે.જળ જીવન મિશનથી લોકજાગૃતિ આવવી જોઇએ.પાણી જીવન માટે જરૂરી છે જે મહિલાઓ સાથે સીધી રીતે જોડાયેલો વિષય છે જેથી મહિલાઓને પાણી વ્યવસ્થાપન બાબતે ખાસ અપીલ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે વરસાદનું પાણી રોકવું, રીસાઇકલ ,ઓછા પાણીમાં વધુ પાક સહિતની પ્રધ્ધતિઓ દ્વારા પાણીનું વ્યવસ્થાપન થઇ શકે તેમ છે. આઇ.આઇ.ટી ગાંધીનગરના પ્રોફેસર વિમલ મિશ્રાએ જણાવ્યું હતું કે છાત્રાઓ,વિધાર્થીઓએ પાણીની બચત માટે પ્રોજેક્ટ બનાવી નાગરિકોમાં જાગૃતિ લાવવી જોઇએ.ક્લાઇમેટ ચેન્જ અને જળ વ્યવસ્થાપન એક બીજાથી સંલગ્ન છે. આથી આ મુદ્દાને ગંભીરતાથી લઇ પાણી બચાવવા બાબતે ખાસ પગલા અત્યારથી ભરવા જણાવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત સચિવ બીપીન તલાટીએ જણાવ્યું હતું કે પાણીએ જીવનનું અમૃત છે.પંચમહાભૂત તત્વોનું તત્વ એટલે પાણી જેના કરકસરપુર્ણ ઉપયોગ કરવો જોઇએ.તેમણે ઉમેર્યું હતું કે ભૂગર્ભ જળનો 75 ટકા જેટલો વપરાશ ભારત કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી.રાજ્યમાં સુઝલામ-સુફલામ યોજના,સૌની યોજના જેવી વિવિધ યોજનાઓથી વોટરગ્રીડનું નિર્માણ થયું છે તેમ જણાવી રાજયમાં વેસ્ટ વોટર પોલીસી માટે ગુજરાત પ્રથમ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સમયાંતરે પાણીનું વ્યવસ્થાપન જરૂરી છે તેમ જણાવી વોટર મેનેજમેન્ટ અંતર્ગત ખેતીમાં ડ્રીપ ઇરીગેશન,ચેકડેમ,ખેત તલાવડી,કુવા જેવી પરંપરાગત પ્રધ્ધતિઓ,સ્પ્રીંકલર,સરફેસ ઇરીગેશ, સહિતની વિવિધ પ્રધ્ધતિઓ માટે લોકજાગૃતિ લાવવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલાયમેટ ચેન્જની દિશામાં ગુજરાતમાં સપ્ટેમ્બર,૨૦૦૯માં અલાયદા કલાઈમેન્ટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.
જે સમગ્ર એશિયામાં પ્રથમ અને વિશ્વમાં રાજ્ય સરકારનો ચોથો અલાયદો વિભાગ બન્યો છે. ક્લાઈમેટ ચેન્જને અટકાવવામાં સમાજના વિવિધ ઘટકોની ભૂમિકા, અન્નનો આદર, પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી, માટી બચાવો, પંચામૃત લક્ષ્યાંકો જેવા વિષયો પર ચર્ચા કરાઇ હતી ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા વિવિધ સરકારી વિભાગોના ક્ષમતા નિર્માણ દ્વારા ક્લાઈમેટ ચેન્જ કાર્ય યોજનાનું આયોજન અને અમલીકરણ કરે છે તથા ક્લાઈમેટ ચેન્જની અસરો દૂર કરવા માટે સરકાર અને સમાજ વચ્ચે સેતુની ભૂમિકા ભજવે છે.
આ ઉપરાંત અનુકૂલન અને શમનની પ્રોત્સાહક નીતિઓ અને પ્રકલ્પો શરૂ કરવા તેમજ પુનઃપ્રાપ્ય ઉર્જાઓના વપરાશને પ્રોત્સાહન અને ઊર્જા કાર્યક્ષમતા વધારવાના પ્રયત્નો કરવા તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવી વગેરે તેના અન્ય મુખ્ય કાર્યો છે. રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા રહેણાંક મકાનો પર સોલાર રૂફટોપ, સરકારી મકાનો પર સોલર રૂફટોપ, સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ, સુધારેલી સ્મશાન ભઠ્ઠી, રિસર્ચ પ્રોજેક્ટ માટે સહાય, બેટરી સંચાલિત દ્વિ-ચક્રી તથા ત્રિ-ચક્રીય વાહનો, સોલર વોટર હિટીંગ સિસ્ટમ, એલઇડી ટ્યુબલાઈટ તથા ઉર્જા કાર્યક્ષમ પંખાઓને પ્રોત્સાહન વગેરે જેવી યોજનાઓ અમલમાં છે. વડનગર ખાતે યોજાયેલા ક્લાઇમેટ ચેન્જ પખવાડીયા કાર્યક્રમ અંતર્ગત જળ વ્યવસ્થાપન સેમીનારમાં એસ.કે.યુનિના પ્રકાશભાઇ પટેલ,ગણપત યુનિવર્સીટીના અધિકારીઓ, પદાધિકારીઓ,વિધાર્થીઓ તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.