સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મહેસાણા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત

September 21, 2026

FRC પ્રક્રિયાનું સરળીકરણ, RTE ફીની ચુકવણી અને વહીવટી દખલગીરી બંધ કરવા ખાનગી શાળાઓ મેદાને

ગરવી તાકાત ઃ 21-9-2026

માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી શૈક્ષણિક કાર્ય બંધ રાખી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની સંચાલકોની ચીમકી

મહેસાણા | પ્રતિનિધિ

રાજ્યભરમાં કાર્યરત સ્વનિર્ભર શાળાઓના લાંબા સમયથી વણઉકેલાયેલા પડતર પ્રશ્નો અને રોજબરોજ વધતી જતી વહીવટી મુશ્કેલીઓના કાયમી નિરાકરણની માંગ સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મહેસાણા દ્વારા જિલ્લા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે. સંચાલકોએ શિક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર શાળાઓના યોગદાનને રેખાંકિત કરતા જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં હાલમાં 17 હજારથી પણ વધુ ખાનગી શાળાઓ ધમધમી રહી છે, જેમાં 50 લાખથી વધુ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. રાજ્યના શૈક્ષણિક માળખામાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવતી આ શાળાઓ આજે વિવિધ નીતિ-નિયમો, જટિલ કાયદાકીય પ્રક્રિયાઓ અને શિક્ષણ વિભાગની અનાવશ્યક દખલગીરીના કારણે ગંભીર સંકટનો સામનો કરી રહી છે.

આવેદનપત્રમાં ફી નિયમન સમિતિ (FRC) ની પ્રક્રિયાને અત્યંત જટિલ ગણાવી તેમાં તાત્કાલિક રાહત આપવાની મુખ્ય માંગણી કરવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે જે શાળાઓ પોતાની અગાઉ મંજૂર થયેલી ફીમાં વાર્ષિક 10 ટકા કે તેથી ઓછો વધારો કરતી હોય, તેમને લાંબી દરખાસ્તો કે કાનૂની સોગંદનામાની અટપટી વિધિમાંથી સંપૂર્ણ મુક્તિ મળવી જોઈએ. જો આવી શાળાઓને સીધી મંજૂરી આપી દેવામાં આવે તો રાજ્યની 90 ટકાથી વધુ શાળાઓને FRCની વાર્ષિક માથાકૂટમાંથી મુક્તિ મળી શકે તેમ છે. આ ઉપરાંત શિક્ષણના અધિકાર (RTE) કાયદા હેઠળ પ્રવેશ મેળવતા વંચિત વર્ગના બાળકોની બાકી નીકળતી ફી પેટે સરકાર તરફથી મળતી સહાય હાઇકોર્ટના માર્ગદર્શન અનુસાર યોગ્ય અને વાજબી ધોરણે સમયસર ચૂકવવામાં આવે તેવી માંગ પણ દોહરાવાઈ છે.

તાજેતરમાં સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા શિક્ષણ સુધારા વિધેયક સામે પણ શાળા સંચાલકોએ સખત નારાજગી વ્યક્ત કરી છે. આ સુધારા વિધેયકમાં સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો કે કર્મચારીઓની ભરતી કરવા તેમજ તેમને છૂટા કરવા માટે શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી લેવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે, જેને સંચાલકોએ શાળાઓની સ્વાયત્તતા પર સીધો તરાપ ગણાવી છે. ખાનગી સંસ્થાઓના આંતરિક વહીવટમાં સરકારી હસ્તક્ષેપ દૂર કરી આ કાયદાકીય જોગવાઈમાં તાત્કાલિક સુધારો કરવાની માગણી કરાઈ છે. સાથોસાથ શિક્ષણ વિભાગના વિવિધ સ્તરેથી વારંવાર માંગવામાં આવતી એકસરખી માહિતી અને આંકડાકીય વિગતોથી શાળાઓના શૈક્ષણિક વાતાવરણમાં ખલેલ પહોંચતી હોવાથી એક જ ‘કોમન પોર્ટલ’ કાર્યરત કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી વહીવટી સમયનો બગાડ અટકાવી શકાય.

સંચાલક મંડળે પોતાના આવેદનપત્રના અંતે સરકારને ખુલ્લી ચેતવણી આપી છે કે શિક્ષણ જગત સાથે સંકળાયેલા આ ગંભીર પ્રશ્નોનું જો સત્વરે અને સકારાત્મક નિરાકરણ લાવવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનું ખાનગી શાળા મહામંડળ આક્રમક વલણ અખત્યાર કરશે. આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવાની સાથે તમામ સ્વનિર્ભર શાળાઓમાં સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જેવા કડક પગલાં ભરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેનાથી ઊભા થનારા શૈક્ષણિક અવરોધની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવો સ્પષ્ટ સૂર વ્યક્ત કરાયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0