ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCBને મળેલી બાતમીના આધારે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી એક કારને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, કાર ચાલકે પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારી વાહનને ટક્કર મારી હતી. આ ઘટના બાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને કુલ ચાર લોકો સામે 1.28 લાખ રૂપિયાના દારૂ અને બિયરના જથ્થા સાથે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, LCBનો સ્ટાફ ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતો. તે સમયે બાતમી મળી હતી કે, GJ-01-RY-4722 નંબરની કારમાં ચાલક વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને રણાસણ તરફ જવાનો છે.

આ બાતમીના આધારે LCBએ રાયગઢ ચોકડી નજીક બાવસર જતા રોડ પર બાતમી મુજબ આવી રહેલી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે ચેકિંગ માટે રખાયેલા સરકારી વાહન GJ-09-GA-0664 ને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ચાલકે દારૂ ભરેલું વાહન ઊભું રાખવાને બદલે રોડ પર ઊભા રહેલા પોલીસ કર્મચારીઓને મારી નાખવાના ઇરાદે કાર પૂરઝડપે ચલાવી ટક્કર મારવા જતાં દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી ખાઈ જતાં કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે કારમાં ચાલક પાસે બેઠેલો રસિક ઉર્ફે ભૈયો ચંદુ અસારી (રહે. સોનાસણ, તા. ભિલોડા) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પલટી ગયેલી કારમાંથી 1.28 લાખ રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો, ઉપરાંત 10 હજાર રૂપિયાનો મોબાઈલ અને 1.50 લાખ રૂપિયાની કાર મળીને LCBએ કુલ 2.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા રસિક અસારી અને ફરાર થયેલા અન્ય ત્રણ મળી કુલ ચાર સામે પ્રોહિબિશન અને એમવી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીનું નામ રસિકકુમાર ઉર્ફે ભૈયો ચંદુભાઈ અસારી (રહે. સોનાસણ, જાબ ચિતરીયા, તા. ભિલોડા, જી. અરવલ્લી) છે. આ કેસમાં સુરેન્દ્રસિંહ જાડેજા (રહે. વક્તાપુર, દાવલી, તા. મોડાસા, જી. અરવલ્લી, મોબા.નં. 8141460911), પાટિયા ઠેકાવાળો (રાજસ્થાન) અને દારૂ મંગાવનાર અજાણ્યા વ્યક્તિ સહિત ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે.


