શાકભાજી સહિત ખાદ્ય સામગ્રીમાં ભાવ વધારાથી મોંઘવારીને કાબુમાં લેવામાં તથા ફૂગાવો ઘટાડવાનાં પ્રયાસોમાં મોટો પડકાર સર્જાયો
ખાદ્યચીજોના ભાવ વધારાથી ‘બગડતુ’ ગણિત: ફૂગાવો 0.10 થી 0.30 ટકા વધી શકે
ન્યુ દિલ્હી તા. 12- ટમેટા સહિતના શાકભાજી તથા કઠોળ-ચોખામાં ભાવ વધારાથી મોંઘવારીને કાબુમાં લેવામાં તથા ફૂગાવો ઘટાડવાનાં પ્રયાસોમાં મોટો પડકાર સર્જાયો છે. વ્યાજદરમાં શ્રેણીબદ્ધ વધારા બાદ તેમાં ઘટાડો કરવાનું શકય નહિં બની શકે અને રિઝર્વ બેન્કે વ્યાજદર યથાવત રાખવા પડી શકે છે. શાકભાજી અને કઠોળના ભાવ વધારાથી ફૂગાવો 0.10 થી 0.30 ટકા વધી જવાની શકયતા છે. ભારતમાં મે મહિનાનો રીટેઈલ ફૂગાવો 4.25 ટકાએ બે વર્ષના તળીયે આવી ગયો હતો. નાણા ધિરાણ નીતિની છેલ્લી સમીક્ષા બેઠકમાં રીઝર્વ બેન્કે ચાલુ વર્ષનો ફુગાવો 5.1 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો હતો. પરંતુ અર્થશાસ્ત્રીઓનાં મતે ભાવ વધારાના વિષચક્રથી ફૂગાવાનો આ દર 5.3 થી 5.5 ટકા રહેવાની આશંકા છે અને આ સંજોગોમાં વ્યાજદર ઘટાડાની આશા પર પાણી ફરી શકે છે.
બેંક ઓફ બરોડાનાં મુખ્ય અર્થશાસ્ત્રી મદન સાવનવીએ કહ્યું કે ભાવો ઉંચા જ રહેવાના સંજોગોમાં રિઝર્વ બેન્ક ચાલુ વર્ષે કે 2024 ના પ્રારંભીક મહિનાઓમાં પણ વ્યાજદર ઘટાડાની ચિંતા કરે તેમ નથી. એસએન્ડપી ગ્લોબલ રેટીંગનાં છેલ્લા રીપોર્ટમાં વ્યાજદર ઘટાડો 2024 માં થવાનું અનુમાન બાંધવામાં આવ્યું હતું.0.25 ટકાનો વ્યાજ ઘટાડો થવાનો અંદાજ છે. અર્થશાસ્ત્રીઓનાં મતે શાકભાજીમાં બેફામ ભાવ વધારાથી વ્યાજદર ઘટાડાની શકયતા ધુંધળી થઈ ગઈ છે. અને હવે મોટાભાગે 2024 ના મધ્યમાં જ તે શકય બની શકે તેમ છે.રીઝર્વ બેન્કે ગત જુનમાં સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ બદલાવ કર્યો ન હતો અને એવુ સ્વીકાર્યું હતું કે ખાદ્યચીજોમાં ભાવ મોરચે સતત નજર રાખવાની જરૂર છે. નૈઋત્ય ચોમાસાની ગતિવિધી પર નજર રાખવી પડશે તેવો દાવો કર્યો હતો.
ટમેટાનાં ભાવ કેમ વધ્યા? ખેડુતોએ વાવેતર જ ઘટાડી નાખ્યુ હોવાનો ખુલાસો
ભારતમાં છેલ્લા એકાદ મહિનાથી ટમેટાનાં ભાવમાં ધરખમ વધારો થતા જબરો ઉહાપોહ થયો છે. ત્યારે ટમેટાની અછત અને ભાવ વધારા પાછળનો ખુલાસો થયો છે. દેશમાં ટમેટાનું સૌથી મોટુ ઉત્પાદન ધરાવતા મહારાષ્ટ્ર કૃષિ વિભાગનાં રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે ગત સીઝનમાં ટમેટાનાં ભાવ તળીયે પહોંચી ગયા હતા. ઉત્પાદન ખર્ચ પણ નિકળ્યો ન હતો. એટલે ખેડુતોમાં ઘુંઘવાટ હતો. આ સિવાય ટમેટાનાં બિયારણનાં ભાવ વધી ગયા હતા તેમજ તેની અછત હતી એટલે વાવેતર જ ઓછુ થયુ હતું. જુલાઈ અને ઓગસ્ટમાં સામાન્ય રીતે મહારાષ્ટ્રમાંથી જ ટમેટાની સપ્લાય થતી હોય છે. ખેડુતોએ નાણા ગુમાવ્યા હોવાથી વાવેતર ઘટાડયુ હતું. જયારે હવે નવા વાવેતરમાં વરસાદનાં વિલંબનું વિઘ્ન આવ્યુ છે.મહારાષ્ટ્ર ઉપરાંત બેંગ્લોર-કર્ણાટક તથા હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસામાં ટમેટાનો પાક લેવાતો હોય છે. ડીસેમ્બર-2022 થી મે 2023 દરમ્યાન ટમેટાનાં ભાવ તળીયે હતા અને કિલોના માત્ર 6 થી 9 માં વેચાતા હતા.