ધારપુરા-વેલાકુઇથી ઈન્દ્રપ સુધીના રોડનું જંગલકટિંગ કામ કરી પડતો મુકાતાં ઢીંચણસમા ભરાઈ રહેલાં પાણી
વર્ક ઓર્ડર આપે ૬ મહિના થયા છતાં માર્ગ મકાન વિભાગની રેઢીયાળ કામગીરીથી લોકોમાં રોષ
(કપિલસિંહ સોલંકી) – ગરવી તાકાત, બહુચરાજી તા. 16 – બહુચરાજી તાલુકાના ધારપુરા-વેલાકુઇ થી ઈન્દ્રપ સુધીના રોડને મંજુર થઈ વર્ક ઓર્ડર આપે ૬ મહિનાથી વધુ સમય થવા આવ્યો છતાંય માર્ગ મકાન- મહેસાણા વિભાગની ઢીલી નીતિની કામગીરીથી લોકોને આજેય પણ ચોમાસામાં ઢીંચણ સમા ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડે છે. રોડ મંજુર થયો ત્યારે અનેક લોકોએ સોસીયલ મીડિયામાં ઢંઢેરો પીટ્યો હતો.જયારે કામ શરૂ કરી જંગલકટિંગ સહીતની કામગીરી પણ પુરી કરી દેવામાં આવી છે.વધુમાં રસ્તાની બંને બાજુ ચોકડીઓ ખોદી દેતા પાણી નિકાલ નહીં થતાં ભારે મુશ્કેલી સર્જાઈ છે.
ચડાસણા રેવન્યુના સર્વે-૭૨૨ જે ઓએનજીસી હસ્તક છે.છતાંય ઓએનજીસી નહીં પણ ખેડૂત વાંધાથી કામ પડતું મુકાયું છે.જ્યાં બાજુમાં ૪૦ ફૂટથી વધારે પહોળી રસ્તાની જગ્યા પણ મુકવામાં આવી છે.વધુમાં ઉલ્લેખનીય છે કે રિસર્વેમાં વર્તમાન પ્રમાણિત નકશામાં રસ્તાનું ઉલ્લેખ થયેલો જોવા મળે છે.
છતાંય માર્ગ-મકાન વિભાગ મહેસાણાની નબળી કામગીરીથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.સત્વરે જે-તે પ્રશ્નોનો નિકાલ લાવી સત્વરે કામ શરૂ કરવામાં આવે તેવી ત્રણેય ગામના લોકો માંગ કરી રહ્યાં છે.વધુમાં સર્વે નં-૭૨૨ હદના રસ્તાને હાલ મોકૂફ રાખી બંને બાજુનો રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે તો ઝડપથી કામ થઈ શકે તેમ છે તેવું વિસ્તારના લોકોએ જણાવ્યું હતું.