ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મહેસાણા કોંગ્રેસના એક નેતાએ પાર્ટી પર ઉપેક્ષાનો આરોપ લગાવી કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. મહેસાણાંના પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર ભાજપમાં સામેલ થયા છે. જેથી આ મામલે કોંગ્રેસ અગ્રણીએ રાજેન્દ્રસિંહ દરબાર વિરૂદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
મહેસાણા કોંગ્રેસના રાજેન્દ્રસિંહ દરબારે ચૂંટણી પહેલા ભાજપનો ખેસ ધારણ કરતાં કોંગ્રેસના વંદનાબેન પટેલે તેમની ઉપર જોરદાર પ્રહાર કર્યા છે. વંદનાબેન પટેલે કહ્યુ કે, રાજેન્દ્રસિંહ દરબારનુ કોંગ્રેસમાં કોઈ સ્થાન નહોતુ. જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે રાજેન્દ્રસિંહ ભાજપ સાથે બંધ બારણે સેટિંગ કરી લીધુ હતુ. તેમના આ સેટિંગના કારણે જ કોંગ્રેસની હાર થઈ હતી. રાજેન્દ્રસિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરાયા હતા. કોંગ્રેસ પાર્ટીમાં રાજેન્દ્રસિંહનુ કોઈ સ્થાન હતુ જ નહી. જેથી તેઓએ પોતાનુ નાક બચાવવા ભાજપના વોશિંગ મશીનમાં જવુ પડ્યુ છે.
તો બીજી તરફ આ મામલે કોંંગ્રેસ નેતા અને બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, તેઓ વ્યક્તિગત સ્વાર્થ માટે ભાજપમાં જોડાયા છે. માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ તેમની સાથે છે, મતદારો તો કોંગ્રેસ સાથે છે. આવા લોકોના જવાથી પાર્ટીને કોઈ નુકસાન નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા કોંગ્રેસના રાજેન્દ્રસિંહ દરબાર તેમના 150 જેટલા સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. જેમા તેમને કોંગ્રેસ પાર્ટી પર ઉપેક્ષાનો આરોપ પણ લગાવ્યો છે. જેથી કોંગ્રેસ પાર્ટીમાં થયેલી આ હીલચાલને મોટુ ભંગાણ તરીકે રજૂ કરાઈ રહ્યુ છે. પરંતુ જેવી રીતે કોંગ્રેસના અગ્રણીઓની પ્રતિક્રિયા સામે આવી છે તેના પરથી માલુમ પડી રહ્યુ છે કે, રાજેન્દ્રસિંહ દરબાર મહેસાણા કોંગ્રેસમાં કોઈ એવુ મોટુ સ્થાન નહોતા ધરાવતાં, તેઓના ભાજપમાં સામેલ થવાથી કોંગ્રેસને કોઈ નુકસાન થવા નથી જઈ રહ્યુ છે. પરંતુ બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કરેલુ ટ્વીટ સૂચક માનવામાં આવી રહ્યુ છે. તેમના ટ્વીટમાં પાર્ટીના એક નેતાના ભાજપમાં સામેલ થવા પર ચિંતા વ્યક્ત થઈ રહી છે. જેમાં તેમને લખ્યુ હતુ કે, કોને ચિંતા છે કે “કબીલા” નુ શુ થશે, દરેક લોકો એ માટે લડી રહ્યા છે કે, “સરદાર” કોણ હશે.
તમને જણાવી દઈયે કે, ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે રાજેન્દ્રસિંહ દરબાર કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ હતા, ત્યારે તેમની ઉપર મેન્ડેટમાં ગેરરીતિઓના આક્ષેપ લાગ્યા હતા. જેમાં તેમને ટીકીટ વિતરણમાં સોદાબાજી કરી હોવાનુ પાર્ટીએ પણ સ્વીકાર્યુ હતુ. જેથી તેમની વિરૂદ્ધ તુરંત પગલા ભરી પ્રદેશ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ અમીત ચાવડાએ તેમને સસ્પેન્ડ કરી પાર્ટીમાંથી બરતરફ કર્યા હતા, અને તેમના સ્થાને માનસિંહ ઠાકોરને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી.


