નવી દિલ્હી: તા. 17- કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવાના પગલામાં હવે લોકોની રોજબરોજના વપરાશની ચીજો ને સરખી બનાવવા માટે ખાસ યોજના તૈયાર કરી છે અને આગામી દિવસોમાં ઘી તથા માખણ સહિતના દૂધના ઉત્પાદનો પર જીએસટી ઘટાડાશે. હાલ ઘી-માખણ તથા દૂધના ઉત્પાદનો જે હવે રોજબરોજના ખાદ્યમાં સામેલ થયા છે તેના પર 12થી 18%નો જીએસટી દર છે તેને હવે ઘટાડીને 5% કરવા માટે તૈયારી છે. સરકાર આગામી ચૂંટણી પુર્વે લોકોની રોજબરોજના ભોજનની થાળી સસ્તી બનાવવા માંગે છે.
તો બીજી તરફ જીએસટી કલેકશનમાં ઘટાડો થાય નહી તે પણ જોવા માંગે છે. સરકાર સ્વીકારે છે કે મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. ભલે આ મુદો બહુ ઉછળતો ના હોય પણ લોકોને મોંઘા વ્યાજ- મોંઘા ખાદ્ય પદાર્થ અને મોંઘા ઈંધણ સહિતના કારણે તેનું બજેટ ખોરવાઈ રહ્યું છે જે ભવિષ્યમાં ચુંટણીમાં પ્રભાવ પાડી શકે છે. હાલમાં જ જે રીતે શાકભાજીની કિંમત વધી અને ટમેટા પછી અન્ય શાક પણ મોંઘા થવા લાગ્યા છે તે પછી ફુગાવો ભલે નીચો દર્શાવાય પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. અગાઉ પણ જીએસટી કાઉન્સીલને આ અંગેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો જેમાં ઘી, માખણ, પનીર, લસ્સી, છાસ પર 12% જેવો જીએસટી વસુલાય છે.
તે ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ હતો જયારે માખણ પર ખાદ્યતેલની માફક જ જીએસટી લગાવવા જણાવ્યું હતું. ઈન્ડીયન ડેરી એસો.ના અધ્યક્ષ રૂપિન્દરસિંહ સોઢીના જણાવ્યા મુજબ પામતેલ આયાત થાય છે તેના પર 5% જીએસટી છે પણ ઘી-માખણ પર 12% જીએસટી લાગે છે જેના કારણે પ્રતિ કિલો રૂા.70નો ટેક્ષ લાગે છે. એક કિલો ઘી બનાવવામાં 12થી14 લીટર દૂધ જરૂરી બને છે. જેમાં ખેડુતોને પાંચ-છ રૂપિયાની કમાણીની તક મળે છે પણ તે ઘી ખરીદે તો 12% ટેક્ષ વસુલાય છે. આમ ખરેખર દૂધ ઉત્પાદનો પર ટેક્ષ લગાવીને દૂધ ઉત્પાદકોને જ પાર પડે તેવી સ્થિતિ બને છે. આમ દૂધ ઉત્પાદકો અને ગ્રાહકો બન્નેને માર પડે છે. વધુ પડતા ટેક્ષથી નકલી ઘીનો કારોબાર પણ વધ્યા છે.