ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાની પ્રચલીત એવા શંખેશ્વર 108 જૈન મંદિર સંસ્થામાં મહારાજ સાહેબ વિહારમાં હતા, ત્યારે તેમના રૂમમાંથી રોકડની ચોરી થવા પામી હતી. જે મામલે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણભેદુઓએ જ ગુનો આચર્યો હોવાનું જણાઇ આવતા પોલીસે એક શંકાસ્પદની ઉલટ તપાસ કરતા તેણે અન્ય પાંચ જેટલા કિશોરોની મદદ લઇ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આ યુવાનને મુદ્દામાલ સાથે પકડી લીધો છે અને તપાસ કાર્યવાહી આગળ ધપાવી છે.
શંખેશ્વરમાં આવેલા 108 જૈન મંદિર સંસ્થામાં ઉપાશ્રય ખાતે રહેતા હેમચંદ્રસુરેશ્વરીજ ગત તા.28-3- 2022ના રોજ વિહારમાં નિકળ્યા હતા અને તા.14-4-2022ના રોજ પરત આવ્યા ત્યારે તેમના રૂમના દરવાજાનું તાળુ તોડી કોઇ ચોર ઇસમો રોકડ રૂા 5 લાખની ચોરી કરી ગયા હતા. જે બાબતે શંખેશ્વર પોલીસ મથકમાં ફરીયાદ અપાતા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ ઇન્ચાર્જ પી.આઇ. એસ.પી. સોલંકીનાઓ દ્વારા રાધનપુર ના.પો.અધિ. એચ.કે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓને સાથે રાખી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
આ 108 કેમ્પસના જ જાણભેદુઓ દ્વારા ચોરીનો ગુનો આચરાયો હોવાની પ્રબળ સંભાવનાઓ જણાઇ આવતા પોલીસે કેમ્પસમાં રહેતા તમામ માણસોના મોબાઇલ નંબરો મેળવી કોલ ડીટેલ મંગાવી ઝીણવટભરી તપાસ આદરતા શકમંદ વ્યક્તિઓ મળી આવેલ જેમાં 19 વર્ષીય ઠાકોર રવિકુમાર બેચરભાઇ (રહે. કંચનપુરા, તા.શંખેશ્વર)વાળો કે જે 108 સ્ટાફ કવોટર્સમાં રહેતો હોઇ અને ચોરીની ઘટનાવાળા સમયગાળા દરમિયાન તેની હિલચલ પણ શંકાઓ ઉપચાવે તેવી લાગતા પોલીસે આ યુવાનને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા પૂછપરછ સામે ભાંગી પડેલા રવિ ઠાકોરે ઉપરોક્ત ચોરી તા.10-4 2022ના રોજ કરી હોવાનું કબૂલ્યું હતું.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — પાટણ


