મહેસાણા એસઓજી ટીમે ગેરકાયદેસર રીતે કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું
પ્રતાપગઢ ગામેથી એસઓજીએ 90,800ની કિંમતના 170 ગાંજાના છોડ કબજે કર્યા
નશાના કારોબારનું વાવેતર કરવા બદલ શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો
Sohan Thakor- મહેસાણા તા. 11 – મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા પ્રતાપગઢ ગામની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં એસઓજીને મોટી સફળતાં મળી હતી. પ્રતાપગઢ ગામે ઠાકોર ઇસમ દ્વારા પોતાના ખેંતરમાં ગાંજાનું વાવેતર કરાયું હતું જેની જાણ મહેસાણા એસઓજી ટીમને થતાં પ્રતાપગઢ ગામે તપાસ કરતાં 170 જેટલા ગાંજાના રોપાઓનું કરેલું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું. એસઓજીએ 90,800ની કિંમતના ગાંજાના છોડ સાથે ઠાકોર ઇસમને એનડીપીએસ એક્ટ અંતર્ગત અટકાયત કરી બહુચરાજી પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે.

ગાંજાનું વાવેેતર બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છેવાડાના ગામડાઓમાં ખાનગી રીતે ગાંજાના છોડના વાવેતર મોટા પ્રમાણમાં પોલીસના હાથે ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ આ પ્રકારે છેવાડાના ગામોમાં ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ વડનગર તાલુકામાંથી પણ ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. ત્યારે આવી કેફી દ્રવ્યોને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી ટીમના પીઆઇ એ.યુ.રોઝ તથા પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ પારખાનજી, ચેતનકુમાર, મનોહરસિંહ, નિતીનભાઇ, દિલીપકુમાર, નરેશભાઇ, રાજસિંહ, અબ્દુલગફાર, આશારામ, ધરમશીભાઇ, યુવરાજસિંહ, જયદેવસિંહ, જયેશભાઇ, મુકેશદાન, ભરતભાઇ સહિતનો સ્ટાફ એસઓજી ઓફિસે કામગીરીમાં હતા
ત્યારે દિલીપકુમાર તથા નરેશકુમાર તથા અબ્દુલગફારને ખાનગી બાતમી મળી હતી કે, બહુચરાજી તાલુકાના પ્રતાપગઢ ગામે ઇન્દીરાનગરમાં રહેતા ઠાકોર પ્રધાનજી કૃપાજી પોતાના કબજા ભોગવટાની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ગાંજાના છોડનું વાવેતર કરેલું છે. જે બાતમી મળતાં એસઓજી પીઆઇ સ્ટાફ સાથે બહુચરાજી તાલુકાના પ્રતાપગઢ ગામે પહોંચી તપાસ કરતાં પોલીસને ગાંજાનાં 170 છોડનું કરાયેલું વાવેતર ઝડપી પાડ્યું હતું. પોલીસે 9 કિલો 80 ગ્રામનો ગાંજાનો 90,800ની કિંમતનો છોડના રોપાઓનું વાવેતર ઝડપી ઠાકોર પ્રધાનજી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


