મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના આશરે 1600થી વધુ યાત્રાળુઓ દર્શનાર્થે વૈષ્ણોદેવી ગયા હતા. જ્યાં હાલમાં પંજાબમાં ચાલી રહેલા રેલ રોકો આંદોલનને પગલે આ તમામ દર્શનાર્થીઓ ફસાયા છે. જેની જાણ થતાં ઊંઝા એપીએમસીના ચેરમેન દ્વારા આ મામલે ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી ફસાયેલા યાત્રાળુઓને પરત લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ ભાઈ પટેલ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ મામલે લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે ઊંઝા વિસ્તારના આશરે 600 યાત્રાળુઓ સહિત ઉત્તર ગુજરાતના 1680 યાત્રાળુઓ દર્શનાર્થે ગયેલા છે. આ યાત્રાળુઓ વૈષ્ણોદેવી, કટારા ખાતે પંજાબ રેલ રોકો આંદોલન શરૂ થતાં ત્યાં ફસાયેલા છે. જેની જાણ થતાં જ ઊંઝા એપીએમસીના ચેરમેન દ્વારા રજૂઆત કરી યાત્રાળુઓને પરત લાવવા જાણ કરી હતી.
યાત્રાળુ સચિન ભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમે ત્રણ દિવસથી ફસાયા હતા અને ગઈકાલે રાત્રે કટારાથી નીકળ્યા બાદ હાલ પંજાબના અમૃતસર ખાતે પહોંચ્યા છીએ. તેમને ત્યાંથી રોડ મારફતે ચંદીગઢ થઈને ગુજરાત પરત લાવવામાં આવશે. હાલમાં સરકારી બસોમાં ચંદીગઢ લાવવામાં આવી રહ્યા છે. તેઓ 17 ડિસેમ્બરે દર્શનાર્થે નીકળ્યા હતા, જ્યાં વૈષ્ણોદેવી યાત્રા પુરી કરી તેમને વૃંદાવન-મથુરા જવાનું હતું જે કેન્સલ કરવામાં આવ્યું હતું.