પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આગામી તા.7ના રોજ પરીક્ષા લેવાશે
ડમી ઉમેદવાર કે પરીક્ષાની ગેરરીતિની અંગે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે
ગરવી તાકાત, ગાંધીનગર,તા.21 – પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આગામી તા.7ના લેવાનારી તલાટીકમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે 17.21 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.જેમાંથી 8.65 લાખ ઉમેદવારો એ આ પરીક્ષા આપવા માટે સમંતિ આપી છે જેથી આ પરીક્ષામાં અડધોઅડધ ઉમેદવારો ગેરહાજર રહેશે. 
પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે તલાટીક્રમ મંત્રીની આ પરીક્ષા માટે હવે 8.65 લાખ ઉમેદવારોની વ્યવસ્થા કરાશે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમને પરીક્ષા આપવા માટે તક અપાઈ હતી પરંતુ તેમણે વિકલ્પ જતો કર્યો તેના કારણે તેમને પરીક્ષા ફી પરત અપાશે નહી જે ઉમેદવારોએ સંમતિપત્ર ભર્યા છે તેઓ આગામી સમયમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
તેમણે જણાવ્યું હતું કે 7 આસપાસ ડમી ઉમેદવાર કે પરીક્ષાની ગેરરીતિની અંગે કોઈ માહિતી આપશે તો તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે જો કે જે માતિી આપશે તેમણે ઓળખ આપવી પડશે જેથી કોઈ ખોટા આક્ષેપો થાય નહીં. અગાઉની પરીક્ષાના ડમી વિદ્યાર્થીને લગતી જે પણ માહિતી હશે તેની તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. નવી વ્યવસ્થાને સ્વીકારવા બદલ તેમણે ઉમેદવારોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કની 9 એપ્રિલે યોજાયેલી પરીક્ષામાં કુલ 9.53 લાખ ઉમેદવારો નોંધાયા હતા. તેમાંથી 3.91 લાખ વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી.


