મહિલાઓ માટે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં 400 થી વધુ મહિલા દર્દીઓએ સેવાનો લાભ લીધો
વિસનગર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ તથા શ્રી સતાવીશ ગામ કડવા પાટીદાર સમાજ સેવા કેળવણી ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો
ગરવી તાકાત, વિસનગર તા. 21 – સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટર,વિસનગર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ તથા શ્રી સતાવીશ ગામ કડવા પાટીદાર સમાજ સેવા કેળવણી ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે તા.20-10- 24 ને રવિવારના રોજ સવારે 9:00 થી 2:00 સુધી ખાસ મહિલાઓ માટે પ્રાથમિક શાળા રણસીપુર ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નૂતન હોસ્પિટલના ખ્યાતનામ જુદા જુદા રોગ નિષ્ણાંત ડોક્ટર્સ જેમકે ફિઝિશિયન, સર્જન, ઓર્થોપેડિક,ગાયનેક, ઓફથાલ્મોલોજીસ્ટ, ડેન્ટિસ્ટ દ્વારા સેવા આપવામાં આવી હતી.

આ મેગા કેમ્પમાં 400 થી પણ વધુ મહિલાદર્દીઓને નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા તપાસ -નિદાન- સારવાર સાથે સાથે નિશુલ્ક દવા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખાસ તો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર અંગેની જાગૃતિ કેળવવાનો આશય હતો અને મહિલાઓને સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા સ્તન કેન્સરની તપાસ કરવામાં આવી હતી અને ગર્ભાશયના કેન્સર(સર્વાઇકલ કેન્સર ) માટે પેપ સ્મિઅર ટેસ્ટ કરવામાં આવેલ. પેપ સ્મિઅર ટેસ્ટના પરિણામ આવ્યા બાદ જે કોઈ સસ્પેક્ટેડ દર્દીને વિશેષ સારવારની જરૂરિયાત હશે નૂતન હોસ્પિટલ ખાતે લાવી નિશુલ્ક સારવાર આપવામાં આવશે.

આ કેમ્પમાં નૂતન સંસ્થાના સેવાભાવી ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલ તથા શ્રી રમણભાઈ પટેલે ખાસ હાજર રહી તેમના અંગત માર્ગદર્શન હેઠળ હોસ્પિટલના પેરામેડિકલ સ્ટાફ તથા શ્રી 27 ગામ કડવા પાટીદાર સમાજ સેવા કેળવણી ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી, મહિલા કાર્યકરો તથા અન્ય સેવાભાવી કાર્યકર્તાઓએ ખાસ હાજર રહી સેવા પૂરી પાડી કેમ્પને સફળ બનાવ્યો હતો. સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના દ્વારા આ પ્રકારના ખાસ મહિલાઓ માટેના આરોગ્યલક્ષી કેમ્પ જેવા સેવાકીય કાર્યને પાટીદાર સમાજ દ્વારા બિરદાવવામાં આવેલ છે. નિયમિત ધોરણે જાહેર જનતાની સેવા માટે આ પ્રકારના આરોગ્ય લક્ષી કેમ્પ નૂતન હોસ્પિટલ દ્વારા સતત ચાલુ રહે છે.


