— મહેસાણા બેઠક પર ભાજપે નિતીન પટેલ નામની ‘‘સોનાની જાળ પાણીમાં નાખી’’
ગરવી તાકાત મહેસાણા : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે પાંચ દિવસ બાકી રહ્યા છે જ્યારે
બીજા તબક્કાની ચૂંટણીને હજુ દસ દિવસ જેટલો સમય બાકી છે. ઉત્તર ગુજરાતની રાજકિય લેબોરેટરીનું સ્થાન ધરાવતી મહેસાણાની બેઠક પર ભારે કસમકસની સ્થિતિની નિર્માણ થયું છે. જેમાં ભાજપના ઉમેદવારને મુકેશ પટેલની મનોસ્થિતિ ભાજપ જીતના પૂર્ણ આશાવાદમાં પરિણમી છે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નિતીનભાઇ પટેલના હલેસા વડે હુંડિયામાં સવાર થઇ મઝધાર પાર કરવા નિકળેલા મુકેશ પટેલની નૌકા મધદરિયે હિલોળે ચડે તો નવાઇ નહી હોય.
ભાજપનો ગઢ ગણાતી મહેસાણાની આ બેઠક પર ભાજપે નિતીનભાઇ પટેલના નામની સોનાની જાળ પાણીમાં નાખી છે ત્યારે મહેસાણાની આ બેઠક ભાજપની પસંદગીમાં ઘાટાનો સોદો સાબિત ન થાય તેનો મદાર મતદારોના મિજાજ પર નિર્ભર છે. ચૂંટણીના પ્રચાર અને પ્રસારમાં મહેસાણા શહેર સહિત બેઠકમાં સમાવિષ્ટ ગામડાઓમાં ભાજપના ભક્તોમાં હાલ તો એક જ સૂર રેલાતો જાેવા મળી રહ્યો છે કે, મુકેશભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે પરંતુ મહેસાણા બેઠક પર ભાજપના ભક્તો દ્વારા લગાવાતાં નારાની વાસ્તવિકતાનું ચિત્ર અલગ સ્પષ્ટ થતું હોય તેવું રાજકિય વિશ્લેષકો વિશ્લેષણ કરી રહ્યા છે. ગરવી તાકાતના સર્વે મુજબ વખતે આ સંગઠન નિષ્ક્રિય નજરે પડી રહ્યું છે. પોતાની જાતને નેતા સમજતાં લોકો પાયાના કાર્યકરોની અવગણના કેમ કરી રહ્યા છે. આ પાયાના કાર્યકરોમાં ચૂંટણીનો ઉત્સાહ કેમ દેખાતો નથી. શું પાયાના કાર્યકરો અને લોકો ભાજપના કામકાજથી નારાજ છે કે પછી પાયાના કાર્યકરોની અવગણના કરવા ટેવાયેલા મુકેશ પટેલ જે રીતે મહેસાણા નગરપાલિકાના વહીવટમાં માથું મારી રહ્યા છે તે રીતે જો ભવિષ્યમાં ચૂંટાય તો મહેસાણા બેઠકનાં આમ મદતારોની માઠી બેસાડશે. વધુ વિગતે મહેસાણા રપ વિધાનસભાના મતદારો ગરવી તાકાતને જણાવે છે કે, કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં 40 કરોડનું ભંડોળ હતું જે ભાજપ શાસિત નગરપાલિકામાં અત્યારે મુકેશ પટેલની સીધી ચંચુપાતના કારણે મહેસાણા નગરપાલિકા ભ્રષ્ટાચારના ભરડામાં હોમાઇ ગઇ છે અને ભવિષ્યમાં કર્મચારીઓના પગાર કરવાના પણ પૈસા ન હોવાથી શહેર પ્રમુખ મુકેશ પટેલ અત્યારના ભાજપના ઉમેદવારને મહેસાણાની જનતા તિરસ્કારથી જોઇ રહી છે. અને વધુમાં એ પણ જણાવી રહી છે કે, પાલિકામાં ગેરરિતી આચરાતી હોય તો ધારાસભ્ય બન્યાં બાદ શું નહી કરે. મુકેશભાઇના ભાઇ ડો્કટ્ર અનિલભાઇ પટેલ તેમના દવાખાના કોઇપણ દર્દી આવે તો ભાજપમાં વોટ અપવાના નુસખા અજમાવી રહ્યા હોવાનું પણ મતદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક દિવસ અગાઉ એક સમાજના સંમેલનમાં મહેસાણા પાલિકાના ટાઉનહોલમાં રૂા. 31 હજારનું દાન કરીને જાણે કે, મોટા દાનવીર હોઇ તેમ પોતાના ભાઇ માટે મતની જોલી ફેલાવતાં જોવા મળ્યાં હતા.
મહેસાણાની આ બેઠક ભાજપ માટે ૧૯૯૦થી એટલે ત્રણ દાયકાથી પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનો અભેદ્ય કિલ્લો રહી ચૂકી છે. મહેસાણા
વિધાનસભાની ૧૯૮૫ની બેઠક સુધી કોંગ્રેસનો ગઢ મનાતી આ બેઠકે ૧૯૯૦ બાદ ભાજપનો ગઢ તરીકેનું બિરુદ મેળવ્યું છે. ૧૯૯૦ અને ૧૯૯૫ અને પેટા ચૂંટણી ૧૯૯૮માં પણ મહેસાણાની આ બેઠક પર ખોડાભાઇ પટેલ ભાજપમાંથી ત્રણ વખત વિજયી બન્યાં હતા. ત્યારબા ૨૦૦૨ અને ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આ બેઠક પરથી બે ટર્મ અનિલભાઇ પટેલે કમળ ખિલાવ્યું હતું
તો ૨૦૧૨ અને ૨૦૧૭ની વિધાનસભાની આ બેઠકને ભાજપના ગઢ તરીકે નિતીનભાઇ પટેલે જાળવી રાખી તેઓ પણ બે ટર્મ આ બેઠક પરથી વિજેતા બની મહેસાણાની આ બેઠકને છેલ્લા ત્રણ દાયકાથી સાચવીને રાખી છે. પરંતુ આ વખતની ૨૦૨૨ની મહેસાણા બેઠકની ચૂંટણીના રૂપરંગ સમર્થકો અને ટેકેદારોમાં નિર્મિત થયેલા આંતરિક અસંતોષ દાયકાઓ જૂના એક ગીત સાથે જાણે ઢળતાં હોય તેવા ઘાટ ઘડાયેલો નજરે પડી રહ્યો છે. ‘‘ક્યાં
મિલીયે એસે લોગો સે જીનકી ફિતરત છૂપી રહી, નકલી ચહેરા સામને આયે અસલી સુરત છૂપી રહે” છતાં પણ મહેસાણાની બેઠકનું રાજકિય મહત્વ અતિ આવશ્યક છે. જેમ રામના નામે પથ્થર તરી જાય તેમ સમગ્ર હિંદમાં ભાજપના નામે પણ પથ્થર તરી રહ્યા છે.
જાે કે મહેસાણા બેઠક એ મોદીના માદરે વતન વડનગરનો ગઢ છે જેના પરિણામ સ્વરૂપે મહેસાણાની આ બેઠક પર ભાજપનો વિજય પણ એટલો જ અતિ આવશ્યક છે. ત્યારે દસેક દિવસ બાદ યોજાનાર બીજા તબક્કાની ચૂંટણીમાં ભાજપની આ બેઠક તેના ૩૨ વર્ષના વિજયપથને વધુ એક વખત વિજય બનાવી આ રેકોર્ડ તોડવામાં સફળતાં મેળવશે કે પછી ભાજપ દ્વારા કરાયેલી નિતીનભાઇ પટેલની અવગણનો મતદારો જવાબ આપી મુકેશ પટેલને ભોય ભેગા કરશે તે જાેવું રહ્યું. કારણ કે, રાજનિતીના અખાડામાં ક્યારે કોણ બાજી પલટાવી જાય તે કહેવું મુશ્કેલ છે. જીતનો વિશ્વાસ યોગ્ય છે પરંતુ ક્યારેક ક્યારેક જીતનો આ અતિ વિશ્વાસ અગાઉની ચૂંટણીઓમાં ઉમેદવારોને ભારે પડ્યાં છે.


