ગરવી તાકાત, મહેસાણા તા. 14 – ગણેશ વિસર્જનમાં ડૂબવાથી દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે 8 લોકોના મોત થયા હતા. મેશ્વો નદીમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકોમાંથી 10 લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મોત થયા હતા. જે દૂર્ઘટનાના પગેલ PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું તેમજ મૃતકના સંબંધીને PMNRFમાંથી રૂપિયા 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.
PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના. વધુ એક ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે, ગુજરાતના દહેગામમાં ડૂબી જવાની ઘટનામાં દરેક મૃતકના સંબંધીઓને PMNRF માંથી રૂપિયા 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં 5 દિવસમાં કુલ 15 લોકોએ વિસર્જનમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો
અત્રે જણાવીએ કે, 8 મૃતકમાંથી 7 લોકો વાસણા સોગઢી ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે, જ્યારે અન્ય 1 કપડવંજ તાલુકાના વાધાવત ગામનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાને લઇને ચકચાર મચી છે. ગણેશ વિસર્જન જ્યારથી શરૂ થયું છે ત્યારથી યુવકોના ડૂબવાની ઘટના સામે આવી રહી છે. 8 તારીખથી લઇને ગઈકાલ સુધીના 5 દિવસમાં કુલ 15 લોકોએ વિસર્જનમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો છે.