મોઢેરા પોલીસે બાતમીના આધારે વડાવલી ત્રણ રસ્તા પાસેથી ફરાર બે આરોપીઓને ઝડપી લીધા
ગરવી તાકાત, મહેસાણા તા. 27 – મોઢેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા ફરતાં સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટના ગુનાના બે આરોપીઓને મોઢેરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા તેમજ પોલીસ પકડથી નાસતા ફરતાં આરોપીઓ તથા પેરોલ જમ્પ પર ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ તથા ના.પોલીસ અધિક્ષક મીલાપ પટેલ, તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એસ. જે શ્રીપાલના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એચ.એલ.જોષીના નેતૃત્વમાં એહેકો. નવાબખાન, પ્રશાંતકુમાર, અપોકો પંકજકુમાર સહિતનો સ્ટાફ મોઢેરા પંથકમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વડાવલી ત્રણ રસ્તા પાસે પહોંચતાં અપોકો. શંકરભાઇને ખાનગી બાતમી બાતમી મળી હતી કે
મોઢેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ કલમ 65(એ,ઇ), 81, 83, 98 (2) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ સોલંકી સંગરસિંગ અરજનસિંગ, રહે. ખીમ્મત તા. ધાનેરા તથા ઠાકોર ઉત્તમસિંહ ફુલજી રહે. ખીમ્મત તા. ધાનેરા, જીલ્લો બનાસકાંઠાવાળો વડાવલ ત્રણ રસ્તા પાસે જાહેરમાં રોડ પાસે ઉભા છે જે બાતમીના આધારે મોઢેરા પોલીસની ટીમ વડાવલી ત્રણ રસ્તા પહોંચી બે આરોપીઓને કોર્ડન કરી દબોચ લીધા હતા. આમ મોઢેરા પોલીસે બે વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતાં ફરતાં બે આરોપીઓને ઝડપી લેવામાં સફળ રહી હતી.


