ગરવી તાકાત, માઉન્ટ આબુ તા. 06- ગુજરાતીઓના મનપસંદ પર્વતીય સ્થળ એવા માઉન્ટ આબુમાં પણ શિયાળાએ પરચો બતાવ્યો હોય એમ કાતિલ ઠંડી છે અને સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયુ છે. આજે માઉન્ટ આબુમાં માઇનસ 6 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ધ્રુજી ઉઠયા હતા. જોકે ફરવા આવેલા હજારો સહેલાણીઓ ઠંડીની મજા માણવા લાગ્યા હતા. માઉન્ટ આબુમાં શિયાળાની મોસમમાં પ્રવાસીઓનો ધસારો વધુ પડતો રહેતો હોય છે. જેમાં પણ અડધાથી વધુ સહેલાણીઓ તો માત્ર ગુજરાતમાંથી ઉમટી પડતા હોય છે. ત્યારે કડકડતી ઠંડીમાં સહેલાણીઓ મજાની મોસમનો આનંદ માણી રહ્યા છે. 
હવામાન વિભાગ દ્વારા ટવીટ કરીને એવી માહિતી જાહેર કરવામાં આવી હતી કે માઉન્ટ આબુમાં આજે ન્યુનતમ તાપમાન માઇનસ 6 ડિગ્રીએ સરકી ગયું હતું અને નખી લેકથી માંડીને અનેક જાહેર સ્થળોએ બરફની ચાદર જામેલી જોવા મળેલ હતી. કાતિલ ઠંડીના કારણે પાણી થીજી જતા બરફની ચાદર જામી હતી. હાડ થીજાવતી કાતિલ ઠંડીના પગલે માઉન્ટ આબુમાં જનજીવન પ્રભાવિત બન્યુ હતું
જોકે શિયાળાની ઠંડી માણવા માટે હજારો સહેલાણીઓ ઉમટયા છે. કાતિલ ઠંડી અને જાહેર સ્થળોએ બરફની ચાદર જામતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઠંડીની મજા માણવા બહાર ઉમટી પડયા હતા અને શિયાળાનો આનંદ લુંટતા નજરે ચડયા હતા.માઉન્ટ આબુમાં છેલ્લા બે ત્રણ દિવસથી હાડ થીજાવતી ઠંડીનો દૌર છે અને તાપમાન માઇનસમાં નોંધાઇ રહ્યું છે.


