મહેસાણા એલસીબીએ વિદેશી શરાબનો જથ્થો તથા કાર મળી કુલ રૂપિયા 8.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
અમદાવાદના જુહાપુરાનો શખ્સ ઇનોવા કારમાં દારૂનો જથ્થો ભરી જતાં ઝડપાયોં
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – મહેસાણા મેવડ ટોલનાકા નજીક હાઇવે રોડ ઉપરથી ટોયટો ઇનોવા કારમાંથી વિદેશી દારૂની પેટી નંગ 61 કિંમત રૂપિયા 3,04,560ના વિદેશી શરાબનો જથ્થો તથા 5 લાખની કાર મળી કુલ રૂપિયા 8,09,560ના મુદ્દામાલ સાથે અમદાવાદના એક ઇસમને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો.

મહેસાણા જિલ્લામાં વિદેશી શરાબની ચાલતી હેરાફેરી તેમજ શરાબના વેપાર પર રોક લગાવવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલના આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.જી.વાઘેલાના નેતૃત્વમાં પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો. નિલેશકુમાર, મહેન્દ્રકુમાર, શૈલેષકુમાર સહિતનો સ્ટાફ રાત્રિ દરમિયાન એલસીબી કચેરીએ હાજર હતા તે દરમિયાન હેકો મહેન્દ્રકુમાર તથા પીસી જસ્મીનકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
મહેસાણા અમદાવાદ હાઇવે રોડ ઉપર મહેબુબશા અહેમદશા ફકીર રહે. હાલ અલહબા રો. હાઉસ, જુહાપુરા, અમદાવાદવાળો ઇનોવા કાર નંબર જી.જે04-બીઇ-9137માં વિદેશી શરાબ ભરી મહેસાણા મેવડ ટોલનાકા પાસેથી પસાર થવાનો છે જે બાતમી આધારે મહેસાણા એલસીબીની ટીમે મેવડ ટોલનાકા પર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ઉપરોક્ત નંબરવાળી ઇનોવા કાર આવતાં કારને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી 61 પેટી વિદેશી શરાબનો જથ્થો કિંમત રૂપિયા 3,04,560 તથા ઇનોવા કાર કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 8,09,560ના મુદ્દામાલ સાથે અમદાવાદના શખ્સને ઝડપી લીધો હતો.


