મહેસાણા-બેચરાજી હાઈવે પર પાંચ ગામોના ગ્રામજનોનો ઉગ્ર આક્રોશ: પ્રદૂષણ સામે જનઆંદોલન

October 9, 2026

 

ટવી લાઇટલાઇટ ક્રાફ્ટ પેપર મિલના ઝેરી પ્રદૂષણ અને દુર્ગંધ સામે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા, ટ્રેક્ટરો આડા મૂકી હાઈવે ચક્કાજામ કર્યો

ગરવી તાકાત ઃ9-10-2026

બીમારીઓ અને શાળાઓ બંધ રહેવાથી કંટાળેલા રહીશોના વિરોધ બાદ તંત્ર દોડતું થયું; હાઈકોર્ટમાંથી કેસનો નિકાલ થતાં મિલનું વીજ જોડાણ કાપવાની કામગીરી શરૂ

મહેસાણા-બેચરાજી સ્ટેટ હાઈવે પર આવેલી ખાનગી પેપર મિલ દ્વારા બેફામ રીતે ફેલાવવામાં આવતા અતિશય વાયુ પ્રદૂષણ અને અસહ્ય દુર્ગંધના ત્રાસથી કંટાળીને આસપાસના પાંચ ગામના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. મરેડા, સામેત્રા, ખારા, ગોકળગઢ અને લક્ષ્મીપુરા ગામના સેંકડો ગ્રામજનોએ એકઠા થઈને હાઈવે પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આક્રોશિત બનેલા લોકોએ મુખ્ય માર્ગ પર પોતાના ટ્રેક્ટરો આડા ગોઠવી દઈને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધો હતો, જેના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે વાહનોને અન્ય માર્ગો પર વાળવા ડાયવર્ઝન આપ્યું હતું. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી ગ્રામજનો સાથે મધ્યસ્થી કરી હતી અને યોગ્ય કાયદાકીય પગલાં લેવાની સત્તાવાર ખાતરી આપી હતી, જેના પગલે ગણતરીના કલાકોમાં જ રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાવી શકાતો હતો.

સ્થાનિક રહીશો ગીતાબેન ચૌધરી અને એન્જલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, વિસ્તારમાં આવેલી ‘ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર મિલ’ દ્વારા છેલ્લા ચાર વર્ષથી સતત અતિ ઝેરી ધુમાડો અને જીરવી ન શકાય તેવી દુર્ગંધ વાતાવરણમાં છોડવામાં આવી રહ્યા છે. આ પ્રદૂષિત વાતાવરણના લીધે ગ્રામજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી છે અને ઘેર-ઘેર ઝાડા, ઉલટી, અસહ્ય માથાનો દુખાવો, શરદી, ચક્કર આવવા તેમજ ચામડીના વિવિધ રોગો જેવી બીમારીઓ ફેલાઈ ગઈ છે. પ્રદૂષણની તીવ્રતા એટલી હદે વધી ગઈ હતી કે સ્થાનિક પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા નિર્દોષ બાળકો ચાલુ વર્ગખંડમાં બેભાન થઈ જવાના બનાવો બન્યા હતા. જેને કારણે આસપાસના ચાર ગામોની શાળાઓને ૧૫ દિવસ કરતાં પણ વધુ સમય માટે ફરજિયાતપણે બંધ રાખવાની નોબત આવી હતી. મહત્વની પરીક્ષાઓ અને બોર્ડના વિદ્યાર્થીઓનો અભ્યાસ સતત બગડતો હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા લોકોએ છેક ગાંધીનગર સુધી ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી. તેમ છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતાં છેવટે પોતાની એકમાત્ર માંગ એટલે કે આ પ્રદૂષણ ફેલાવતી પેપર મિલને કાયમ માટે તાળાં મરાવવા માટે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત સમગ્ર ગ્રામજનો પોતાના તમામ કામધંધા પડતા મૂકીને બીજી વખત રસ્તા પર ઊતરી આવવા મજબૂર બન્યા હતા.

બીજી તરફ, સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારી નરેશ ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગ્રામજનો તરફથી મળતી સતત ફરિયાદો અને તપાસના અંતે બોર્ડ દ્વારા અગાઉ જ આ પેપર મિલ સામે કડક વલણ અપનાવી તેને ક્લોઝર હુકમ આપી કંપની બંધ કરવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો હતો. જો કે, પેપર મિલના સંચાલકોએ સરકારી તંત્રના આ હુકમ સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને કાયદાકીય લડત શરૂ કરી હતી. તાજેતરમાં નામદાર હાઈકોર્ટમાંથી આ કેસનો આખરી નિકાલ થઈ જતાં સરકારી તંત્ર દ્વારા ક્લોઝર હુકમની કડક અમલવારી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા મિલનું વીજ જોડાણ કાપી નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ અધિકારીઓએ આંદોલન કરી રહેલા ગ્રામજનોને હાઈકોર્ટના ચુકાદા અને લેવાયેલા કડક પગલાં અંગે રૂબરૂ વાકેફ કર્યા હતા. તંત્રની કડક કાર્યવાહીની ખાતરી મળતાં ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કરી સહકાર દર્શાવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે પોતાનો ચક્કાજામ સમેટી લીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0