મણીપુર તા. 20- મણિપુરમાં બે મહિલાઓને નગ્ન જાહેરમાં પરેડ કરાવવાની ઘટનાએ સંસદથી લઈને સુપ્રીમ કોર્ટને હચમચાવી નાખ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ મણિપુરની ઘટનાની સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના ગણાવી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે મણિપુરની ઘટનાને સુઓમોટો લઈને સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે આ ઘટનાને પરેશાની કરનારી ગણાવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો કોર્ટે પોતે કરશે. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી શુક્રવારે કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને પૂછ્યું છે કે મણિપુરની ઘટના પર કયા કયા પગલાં લેવાયા છે અને જવાબ માંગ્યો છે.
સરકાર કાર્યવાહી કરે, નહીં તો અમે કરીશું – ચીફ જસ્ટિસે કહ્યું કે આ બિલકુલ અસ્વીકાર્ય છે. સાંપ્રદાયિક ઝઘડાના ક્ષેત્રમાં મહિલાઓને એક ઉપકરણ સ્વરૂપે ઉપયોગ કરી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું કે જે વીડિયો સામે આવ્યો છે તેનાથી અમે ખુબ જ પરેશાન છીએ. જો સરકાર કાર્યવાહી નહીં કરે તો અમે કરીશું. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે સરકાર વાસ્તવમાં પગલાં ભરે અને કાર્યવાહી કરે. બંધારણીય લોકતંત્રમાં આ બિલકુલ અસ્વીકાર્ય છે. આ ખુબ જ પરેશાન કરનારું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ – ચીફ જસ્ટિસે કહ્યું કે અમે જોવા માંગીએ છીએ કે સરકારે આ અંગે શું કાર્યવાહી કરી છે. આવા વીડિયો અને હિંસા પર સરકાર શું કાર્યવાહી કરે છે. મીડિયામાં દેખાડનારા આવા દ્રશ્યો વિશે જે પણ દેખાડવામાં આવ્યું છે તે ગંભીર સંવૈધાનિક ઉલ્લંઘન અને મહિલાઓનો હિંસાના સાધન તરીકે ઉપયોગ કરીને માનવ જીવનનું હનન દર્શાવે છે જે સંવૈધાનિક લોકતંત્ર વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમના દ્વારા લેવાયેલા પગલાં અંગે કોર્ટને જાણકારી આપે.
પીએમ મોદીએ પણ વ્યક્ત કર્યો આક્રોશ – પીએમ મોદીએ પણ આ ઘટના પર દુ:ખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે મણિપુરની દીકરીઓ સાથે જે થયું, તે ક્યારેય માફ કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે મારું હ્રદય પીડા અને ક્રોધથી ભરેલું છે. પીએમ મોદીએ કહ્યું કે મારું હ્રદય પીડાથી ભરેલું છે. ક્રોધથી ભરેલું છે. મણિપુરની જે ઘટના સામે આવી છે તે કોઈ પણ સભ્ય સમાજ માટે શર્મસાર કરનારી છે. પાપ કરનારા, ગુનો કરનારા કેટલા છે, કોણ છે તે પોતાની જગ્યા પર છે. પરંતુ અપમાન સમગ્ર દેશનું થઈ રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓએ શર્મસાર થવું પડ્યું છે.