દેવરાસણ ગામે બ્રહ્માણી માતાજીના મંદિર પટાંગણમાં હોમ હવન, મહા આરતી, રમેણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયાં
સમગ્ર દેવરાસણ ગામ સહિત મોટી સંખ્યામાં ભક્તો તેમજ પ્રજાપતિ સમાજના આગેવાન હાજર રહ્યાં હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 10- મહેસાણા પાસે આવેલા દેવરાસણ ગામમાં બ્રહ્માણી મંદિરના પટાંગણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા આગેવાનો ભાઇ બહેનો તેમજ ગ્રામજનોએ પ્રસાદીનો લ્હાવો લઇ ધન્યતાં અનુભવી હતી.

મહેસાણા નજીક આવેલા દેવરાસણ ગામે શ્રી બ્રહ્માણી- દેવકી માતાજીના મંદિર ખાતે હવન તેમજ દેવકી માતાજીનો નવરંગનો માંડવો (રમેણ)નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી બ્રહ્માણી સેવા પરિવાર તેમજ પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રમેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ (દેવકી રોડવેજ) દ્વારા માતાજીના પ્રાંગણમાં 551 દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રહ્માણી માતાજીના મંદિર પ્રાંગણમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર દેવરાસણ ગામ તેમજ આસાપસના ગ્રામજનો સહિત ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લ્હાવો લેવા ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં વડીલો ભાઇ બહેનો આ ધાર્મિક પ્રસંગે હાજર રહ્યાં હતા. મંદિર પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાત્રિ દરમિયાન યોજાયેલ રમેણમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.


