આજથી ચાર દિવસ અગાઉ મહેસાણા મોઢેરા બસ સ્ટેન્ડ પાસેથી મગુનાના શખ્સે રીક્ષાની ચોરી કરી હતી
નંબર પ્લેટ વિનાની રીક્ષા મોઢેરા સર્કલ તરફ આવતાં મહેસાણા એલસીબીએ વોચ ગોઠવી રીક્ષા ચોરને ઝડપી રીક્ષા કબજે કરી
ગરવી તાકાત, મહેસાણા તા. 28 – મહેસાણા શહેર બી. ડિવિઝન વિસ્તારના મોઢેરા બસ સ્ટેન્ડ પાસેથી મગુનાના શખ્સે રીક્ષાની ચોરી કરી હતી જે શખ્સને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી મહેસાણા બી. ડિવિઝન પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં બનતી ઘરફોડ, મંદિરમાં ચોરી, ફરાર આરોપીઓ તેમજ વણઉકલ્યાં ગુનાના ભેદ ઉકેલવા સહિત જિલ્લામાં ચાલતી આસામાજિક પ્રવૃતિઓ પર વોચ રાખવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.જી.વાઘેલાના નેતૃત્વમાં પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. કિરણજી, લાલાજી, જયસિંહ, પીસી અક્ષયસિંહ, આકાશકુમાર તથા અમરસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેકો. કિરણજી તથા પીસી અક્ષયસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે,
મહેસાણા તાલુકાના નુગર ગામ તરફથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સ નંબર પ્લેટ વિનાની રીક્ષા લઇને મોઢેરા ચોકડી તરફ આવનાર છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ઉપરોક્ત બાતમી વાળો શખ્સ રીક્ષા લઇને મોઢેરા તરફ આવતાં તેને અટકાવી રીક્ષા બાબતે પુછતા પરમાર રાહુલ રમણભાઇ રહે. મગુના, ભીમવાસ તા.જી મહેસાણાવાળો ગલ્લા તલ્લા કરી યોગ્ય જવાબ ન આપતાં સઘન બાબતે પુછતાં પકડાયેલા શખ્સે કબુલાત કરી હતી કે આજથી ત્રણથી ચાર દિવસ અગાઉ મહેસાણા મોઢેરા ચોકડી પાસે આવેલ બસ સ્ટેન્ડની પાછળના ભાગેથી રોડ ઉપર થી સાંજના છથી સાત વાગ્યાના અરસામાં આ રીક્ષાની ચોરી કરી હોવાની કબુલાત કરતાં પરમાર રાહુલ વિરુદ્ધ ગુનો નોંધી મહેસાણા બી. ડિવિઝન પોલીસને સોપ્યોં હતો.